રાજકોટમાં ભાજપ પ્રવક્તા ડો.સંબિત પાત્રાએ મમતા બેનરજી ઉપર ગંભીર આક્ષેપ લગાવ્યા હતા. તેમણે કહ્યું કે, બંગાળમાં 20 વર્ષમાં મૃત્યુ પામેલા લોકોના નામે વોટિંગ થતું હતું. SIR કામગીરીમાં મૃત્યુ પામેલા લોકોના નામ દૂર થવાથી મમતા બેનર્જીને તકલીફ પડી. મમતા બેનર્જી ઈચ્છે છે કે, મૃત્યુ પામેલા લોકોના નામ દૂર ન થવા જોઈએ. ડો.સંબિત પાત્રાએ કહ્યું કે, બંગાળમાં મમતા બેનર્જીના કાર્યકર્તા મૃત્યુ પામેલા લોકોના નામે વોટિંગ કરતા હતા જેને છાપા વોટ કહેવામાં આવે છે. દેશમાં અગાઉ 11 વખત SIR કામગીરી કોંગ્રેસ સરકારમાં થઇ છે, 2025માં પ્રથમ વખત SIR કામગીરી ભાજપ સરકારના કાર્યકાળ દરમિયાન થઇ હતી.
રાજકોટ મહાનગર પ્રમુખ નાગરિક ગોષ્ઠી સમિતિ દ્વારા રાજકોટના પ્રબુધ્ધ નાગરિકો માટે લોકતંત્ર બચાવો અને અરાજકતા હટાવો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય અતિથિ તરીકે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ડો. સંબિત પાત્રા ઉપસ્થિત રહ્યા હતા. સંબિત પાત્રા દ્વારા વિપક્ષ દ્વારા કરવામાં આવતા વોટ ચોરીના આક્ષેપ સામે SIR કામગીરી અંગેની માહિતી આપી હતી અને વિપક્ષના આક્ષેપોને પાયા વિહોણા ગણાવી પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનરજી ઉપર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા.
‘વિપક્ષે ભારતની બંધારણીય સંસ્થાની મજાક બનાવી’
ડો. સંબિત પાત્રાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ આજે આગળ વધી રહ્યો છે ત્યારે કેટલાક નેતાઓને આ વાત ખૂચી રહી છે. કારણ કે અહીંયા પરિવારવાદ ચાલતો નથી અને તેમનો પરિવાર આગળ વધી શકતો નથી. વિપક્ષના લોકો દેશ હોય કે વિદેશ જ્યાં પણ મોકો મળ્યો છે ત્યાં ભારતની સંવિધાનિક સંસ્થાઓની મજાક બનાવી આબરૂ કાઢવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. જે લોકો ભારત દેશને કાયમી ગુલામ બનાવવા ઈચ્છી રહ્યા છે તેમની સામે જઈને પણ ખોટા અક્ષેપો કરવામાં આવ્યા છે. લંડન અને અમેરિકા પહોંચીને પણ પક્ષના લોકોએ ભારતના સુપ્રીમ કોર્ટ અને ઇલેક્શન કમિશનની કામગીરી સામે આક્ષેપો કર્યા છે.
તેમને વધુમાં જણાવ્યું હતું કે, વિદેશના લોકોને જઈને કહી રહ્યા છે કે તમે ભારતમાં આવો અને લોકતંત્ર બચાવો અને ડેમોક્રેસી બચાવો આ સમયે ભારતના લોકોએ સમજવાની જરૂર છે કે SIRના મૂળ સુધી પહોંચવું જોઈએ અને જે આક્ષેપો થઈ રહ્યા છે તેમાં સાચું શું છે તે જાણવાનો પ્રયાસ કરવો જોઈએ અને આજે એટલા માટે જ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.