રાજકોટ શહેરમાં બોગસ એડમિશનનો રાફળો ફાટ્યો હોય તે પ્રકાશની સ્થિતિનું સર્જન થયું છે. જેમાં પેડક રોડ ઉપરની ન્યૂ ફ્લોરા સ્કૂલનો શિક્ષણ વિભાગની મંજૂરી વિના સ્થળ ફેરફાર કરવામાં આવ્યો તો 80 ફૂટ રોડ ઉપર ધમધમતી અંબિકા વિદ્યાલયના પ્રાથમિકના વિદ્યાર્થીઓને યુનિવર્સિટી રોડ પરની પ્રીમિયર સ્કૂલમાં અભ્યાસ કરાવવામાં આવતા હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. જે બાદ હવે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી હરકતમાં આવ્યા છે અને બંને સ્કૂલના સંચાલકોનું હિયરિંગ રાખવામાં આવ્યું છે. જે બાદ બંને સ્કૂલ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.
રાજકોટના પેડક રોડ ઉપર આવેલી ન્યૂ ફ્લોરા સ્કૂલ મામલે કોંગ્રેસના ઝોનલ પ્રવક્તાએ સવાલો ઉઠાવ્યા બાદ અહીં ફાયર NOC ન હોવા મામલે મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી. આ સાથે સ્કૂલની મંજૂરીનો પ્લાન માંગવામાં આવ્યો છે. હાલ આ સ્કૂલ છેલ્લા બે વર્ષથી સાડીના કારખાનામાં પતરાના શેડ ઊભા કરી ધમધમે છે અને અહીં ફાયર સેફ્ટીના અભાવે 450 જેટલા વિદ્યાર્થીઓ પર જીવનું જોખમ ઊભું થયું છે. આ ઉપરાંત ભક્તિનગર સર્કલ પાસે 80 ફુટ રોડ ઉપર આવેલી અંબિકા વિદ્યાલયના પ્રાથમિકના વિદ્યાર્થીઓને યુનિવર્સિટી રોડ પર આવેલી પ્રીમિયર સ્કૂલમાં ભણાવવામાં આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
આ બાબતે હાલ જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલ દ્વારા તપાસ ચાલી રહી છે ત્યારે 28 જુલાઈના બંને સ્કૂલના સંચાલકોનું હિયરિંગ રાખવામાં આવ્યું છે. આ બાબતે ન્યૂ ફ્લોરા સ્કૂલના સંચાલકનો સંપર્ક થઈ શક્યો ન હતો જ્યારે અંબિકા વિદ્યાલયના સંચાલક હેતલ પટેલે જણાવ્યું હતું કે, જે સ્કૂલમાં અમને શિક્ષણ વિભાગ દ્વારા માન્યતા મળી છે તે જ સ્કૂલમાં વિદ્યાર્થી અભ્યાસ કરે છે. એક લિવિંગ સર્ટિમાં એડ્રેસમાં ભૂલ થઈ છે જે બીજી વખત નહીં કરીએ.