રાજકોટ TRP ગેમ ઝોનની ભયાનક દુર્ઘટના હજુ લોકોના માનસપટ પરથી ભૂંસાઈ નથી, ત્યારે 26 એપ્રિલના રોજ ફરી TRP ગેમ ઝોન જેવી દુર્ઘટના બનતા રહી ગઈ છે. આજે કાલાવડ રોડ પરના ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટના બનતા રવિવારની રજા માણતા પરિવારો અને બાળકોની સાથે આવેલા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. ગેમ ઝોનમાં સ્પાર્કના ડરથી લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને બહારની બાજુએ ભાગ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ અને 108 એમ્બ્યુલન્સની ટીમો સ્થળ પર દોડી આવી હતી. જોકે, કોઈ જાનહાનિ થઈ નથી. કોઈ કારણે સ્મોક ડિટેક્ટર એક્ટિવ થતા હૂટર વાગવા લાગ્યા હોવાની સ્પષ્ટતા સંચાલક દ્વારા કરવામાં આવી હતી. ફાયર વિભાગ અને મનપા ડેપ્યુટી કમિશનર નંદાણીની દેખરેખમાં ઝણીવટભરી તપાસ કરવામાં આવી હતી.
ઘટના સમયે ગેમ ઝોનમાં હાજર સોહન નામના યુવકે દિવ્ય ભાસ્કરને પોતાનો અનુભવ જણાવતા કહ્યું હતું કે, તે પોતાની નાની દીકરી અને પરિવાર સાથે અહીં આવ્યો હતો. અચાનક ટ્રેમ્પોલીન પાસે આગ લાગી હોવાની બૂમો સંભળાઈ હતી. અમે અંદર મશીન ગેમ્સ રમી રહ્યા હતા, ત્યારે ધુમાડો દેખાવા લાગ્યો અને લોકો ભાગવા લાગ્યા હતા. મેં તરત જ મારી દીકરીને તેડી લીધી અને અમે સુરક્ષિત બહાર નીકળી ગયા હતા.