રાજકોટના જામનગર રોડ ઉપર આવેલા નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે ઇન્ડિયા-A અને સાઉથ આફ્રિકા -A વચ્ચે રમાયેલી ક્રિકેટ મેચ જોવા ગયેલા પરેશ બાંભણિયાએ જણાવ્યું હતું કે, અહીં ખંઢેરી સ્ટેડિયમ ખાતે આજે મેચ જોવા માટે પરિવાર સાથે આવ્યા હતા. સ્ટેડિયમની સામેની તરફ સરકારી ખરાબાની જગ્યામાં કાર પાર્ક કરવામાં આવી તો ત્યાંથી અનઅધિકૃત લોકો દ્વારા રૂ.100 ઉઘરાવવામાં આવતા હતા. જે પૈસા આપ્યા બાદ પણ પહોંચ આપવામાં આવતી ન હતી. જેથી કહી શકાય કે આ ટોળકી દ્વારા ગેરકાયદેસર રીતે પૈસા ઉઘરાવવામાં આવતા હતા.
અનઅધિકૃત ટોળકી દ્વારા ગેરકાયદેસર રીતે લોકો પાસેથી પૈસા ખંખેરવામાં આવ્યા વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આજે ઇન્ડિયા એ અને આફ્રિકા એ વચ્ચેની બીજી મેચ છે ત્યારે આ ટોળકી દ્વારા પ્રથમ મેચમાં પણ આ જ રીતે લોકો પાસેથી પૈસા ખંખેરવામાં આવ્યા હતા. જેમાં ટુ-વ્હીલર પાર્ક કરવાના રૂ. 50 તો ફોર વ્હીલર પાર્ક કરવાના રૂ.100 લેવામાં આવતા હતા. સરકારી ખરાબ અને જગ્યા ઉપર અનઅધિકૃત ટોળકી દ્વારા ગેરકાયદેસર રીતે પૈસા ઉઘરાવ્યા બાદ પહોંચ પણ આપવામાં આવતી નથી.
દરરોજ હજારો લોકો અહીં મેચ જોવા આવે ત્યારે લૂંટાય છે જેથી વહીવટી તંત્ર દ્વારા આ બાબતે તપાસ કરવામાં આવે. આ ઉપરાંત આ જગ્યા સરકારી ખરાબાની હોય તો ત્યાં ગેરકાયદેસર રીતે પાર્કિંગ કરાવી પૈસા કઈ રીતે ઉઘરાવી શકાય? તો કાયદેસર રીતે પાર્કિંગ થતું હોય તો તેની પહોંચ આપવી જોઈએ. જોકે પૈસા લઈ પહોંચ આપવામાં ન આવતા દરરોજ હજારો લોકો અહીં મેચ જોવા આવે ત્યારે લૂંટાય છે. જેથી આ બાબતે યોગ્ય પગલાં લેવાય તે જરૂરી છે.