યુવતી પિયર રિસામણે ગઇ તો પતિ પ્રેમિકાના ઘરે રહેવા લાગ્યો, પત્નીનો મોબાઇલ નંબર પણ બ્લોક કરી દીધો

રાજકોટમાં પિતાના ઘરે રિસામણે બેઠેલી યુવતી લૌકિકના કામે સાસરિયે ગઇ ત્યારે તેને ધ્યાનમાં આવ્યું કે તેનો પતિ તો પ્રેમિકાના ઘરે રહેવા લાગ્યો છે અને પત્નીનો મોબાઇલ નંબર પણ બ્લોક કરી દીધો છે.

કુવાડવા રોડ પર ખોડિયાર હોટેલવાળી શેરીમાં પિતા મુકેશભાઇ વઘેરાના ઘરે રહેતી અંજના મકવાણા (ઉ.વ.28)એ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ખારવા ગામે રહેતા પતિ મયૂર, સાસુ જ્યોત્સના અને સસરા ભીમજી કાળા મકવાણાના નામ આપ્યા હતા. અંજનાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના લગ્ન વર્ષ 2020માં મયૂર સાથે થયા હતા. લગ્નના એક વર્ષ બાદ પતિ મયૂર નજીવી બાબતે ત્રાસ આપવા લાગ્યો હતો. સાસુ અને સસરાને આ અંગે વાત કરતાં તેઓ મયૂરનો સાથ આપતા હતા. પતિના ત્રાસથી પાંચેક વખત અંજના રિસામણે પિયર બેઠી હતી, પરંતુ દર વખતે પતિ સહિતનાઓ સમાધાન કરીને લઇ જતા હતા.

એક વર્ષ પહેલાં પતિએ ખોટી શંકા કરી માથાકૂટ કરતાં અંજના પિયર આવી ગઇ હતી. ઓગસ્ટ મહિનામાં દાદાજી સસરાનું નિધન થતાં અંજના સાસરિયે ગઇ ત્યારે જાણવા મળ્યું કે, દોઢ મહિનાથી તેનો પતિ ઘરે આવ્યો નથી અને તેની સ્ત્રી મિત્રના ઘરે રહે છે તેમજ અંજનાનો ફોન નંબર પણ બ્લોક કરી નાખ્યો હતો. અંજનાએ દાદીજી સાસુના ફોનમાંથી વાત કરતાં પતિઅે કહ્યું હતું કે, તારું અહીં કંઇ કામ નથી, તું ઘરે જતી રહે. પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *