બાળકી હેવાનિયતનો ભોગ બની

યુનિવર્સિટી રોડ પરની ઇનોવેટિવ સ્કૂલમાં કે.જી.માં અભ્યાસ કરતી ચાર વર્ષની વિદ્યાર્થિનીને શાળા સંકુલમાં જ અડપલાં કરવામાં આવ્યા હતા. ખાનગી વાહનના ચાલકે કરેલી હેવાનિયત સામે પોલીસે આંખ મીચામણા કરી લીધા હતા. સોમવારે જિલ્લા બાળ સુરક્ષા વિભાગની ટીમ બાળકીના ઘરે પહોંચી હતી જોકે પરિવારજનો લગ્ન પ્રસંગમાં બહારગામ ગયા હોવાથી આગામી દિવસોમાં બાળકીના પરિવારજનો સાથે આ મુદ્દે વાતચીત થશે.

જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અલ્પેશ ગોસ્વામી અને તેમની ટીમ હરકતમાં આવી હતી અને બાળકીના પરિવારજનો ફરિયાદ નોંધાવવા માટે તૈયાર થાય અને ભવિષ્યમાં આવી કોઇ ઘટના ન માટે બાળકીના પરિવારજનોનું કાઉન્સેલિંગ કરવા માટે બાળકીના ઘરે જવાનો તખ્તો તૈયાર કર્યો હતો. સોમવારે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ગોસ્વામી અને તેમની ટીમના સભ્યો બાળકીના ઘરે પહોંચ્યા હતા. જોકે પરિવારજનો લગ્ન પ્રસંગમાં બહાર ગયા હતા. અલ્પેશ ગોસ્વામીએ બાળકીના પિતા સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને બાળકીના પિતાએ પણ પોતે પ્રસંગમાંથી આવ્યે રૂબરૂ મળશે તેવો બંને વચ્ચે વાર્તાલાપ થયો હતો. જોકે આ ઘટનાને અઠવાડિયું વીતી ગયું અને આવી ગંભીર ઘટના પર પાણીઢોળ કરનાર પીઆઇ વસાવા અને પીએસઆઇ રત્નુ સામે કોઇ કાર્યવાહી કરવાને બદલે ઉચ્ચ અધિકારીઓ ધૃતરાષ્ટ્ર બનીને બેઠા છે તે અંગે પણ ચર્ચાઓ શરૂ થઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *