ઈરાન અને ઈઝરાયલના યુદ્ધની અસર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ જોવા મળી રહી છે. રાજકોટ શહેરના વોર્ડ નંબર 8માં કોંગ્રેસ કાર્યાલયની અંદર કાર્યકર્તાઓ અને સમર્થકો માટે કરવામાં આવતી ચા ચૂલા પર બનાવવામાં આવી રહી છે. ઉમેદવારોનું કહેવું છે કે ચૂંટણી પ્રચાર દરમિયાન લોકોના ખાસ કરી બહેનોના પ્રશ્ન અમને સાંભળવા મળ્યા છે કે ગેસ સિલિન્ડર મળતા નથી અને મળે તો બમણા ભાવ લેવામાં આવે છે. લોકોની વેદના સમજી આજે અમે પણ અમારા ચૂંટણી કાર્યાલયમાં બને ત્યાં સુધી દેશી ચૂલો બનાવી રસોઈ બનાવવાની શરૂઆત કરી છે.
મહાનગરપાલિકાની ચૂંટણીનો પ્રચાર શરૂ થઇ ચુક્યો છે ત્યારે વોર્ડ નંબર 8માં કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલય ખાતે દેશી ચૂલામાં રસોઈ બનાવવાની શરૂઆત કરવામાં આવી છે. છેલ્લા ચાર દિવસથી લોકો પાસે જતા ઉમેદવારોને મહિલાઓ ગેસના સિલિન્ડર ન મળતો હોવાની અને મળે તો બમણા રૂપિયા લેવામાં આવતા હોવાની ફરિયાદ મળતા આજથી કોંગ્રેસે વોર્ડ નંબર 8ના મધ્યસ્થ કાર્યાલય ખાતે દેશી ચૂલામાં રસોઈ બનાવવામાં આવી છે.
કોંગ્રેસના ઉમેદવાર રણજિત મુંધવાએ જણાવ્યું હતું કે, છેલ્લા ચાર દિવસથી અમે પ્રચારમાં ઘર ઘર સુધી જઈ રહ્યા છીએ આ દરમિયાન અમને સ્થાનિક લોકોની રજુઆત સાંભળવા મળી છે કે ગેસના બાટલા મળતા નથી અને મળે તો બમણા રૂપિયા આપવા પડે છે. લોકોને હર હમેશ લાઈનમાં જ ઉભા રાખવાનું કામ ભાજપ સરકારે કર્યું છે.