રાજકોટ શહેર LCB ઝોન વન ટિમેં બાતમીના આધારે મોરબી રોડ ખોડીયાર પાર્ક શેરી નં.2 કોર્નર પાસેથી ફોર્ચ્યુનર કાર નં. જીજે.01.કેવી.0273 માંથી દારૂની અલગ અલગ બ્રાન્ડની 1260 બોટલ રૂ.3.90 લાખ અને ફોર્ચ્યુનર કાર મળી રૂ.29 લાખના મુદ્દામાલ સાથે બાદલસિંહ રાજેશસિંહ ભદોરીયાને પકડી પાડી પુછતાછ હાથ ધરી હતી. પકડાયેલ આરોપી રાજસ્થાનના સાંચોરથી દારૂનો જથ્થો ભરીને લાવતો હતો અને અહીં તે છુટકમાં વેંચાણ કરે તે પહેલા પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો. આરોપીના પિતા મારબલનું કામ કરે છે પોતે મોજશોખના ખર્ચા પુરા કરવા દારૂના વેચાણ કરવાના રવાડે ચડયાનું રટણ કર્યુ હતું.
અન્ય બનાવ રૈયા ચોક નજીક બાદલ એપાર્ટમેન્ટમાં રહેતા મીનાક્ષીબેન જતીનભાઈ દવે (ઉ.વ.34) દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, ગઈ તા.20ના તે પતિ અને પુત્રી તેમના ડ્રાઇવર વિવેક સાથે કાર લઇ એસ્ટ્રોન ચોકમાં આવેલા મોબાઈલની દુકાને ફોનની ખરીદી કરવા ગયા હતા. જ્યાં તે પતિ સાથે ફોનની પસંદગી કરતા હોવાથી ડ્રાઇવરને પુત્રીનું ધ્યાન રાખવાનું કહેતા તે દીકરીને બહાર લઈ ગયો હતો. બાદમાં ડ્રાઇવર દીકરીને લઈ દુકાનમાં આવતા દીકરીએ ગળામાં પહેરેલો સોનાનો ચેન જોવા ન મળતા ડ્રાઇવરને પૂછતા તેને ખબર ન હોવાનું જણાવ્યું હતું બાદમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. જે બનાવ અંગે એ ડિવિઝન પોલીસની ટીમે તપાસ શરૂ કરી હતી દરમિયાન સ્ટાફને મળેલી બાતમીના આધારે શાસ્ત્રી મેદાનના ગેટ પાસેથી મહિલાને ત્યાં કામ કરનાર ડ્રાઇવર વિવેક કાંતિ મોઠીયા (ઉ.વ.27) ને ઝડપી લઇ તેની સઘન પૂછતાછ કરતા તેણે ગુનાની કબૂલાત આપી હતી. બાળકીના માતા-પિતા મોબાઇલની દુકાનમાં ફોન ખરીદતા હતા તે સમયે ડ્રાઇવર બાળકીને બહાર લઈ ગયા બાદ તક મળતા તેના ગળામાંથી આ ચેન તફડાવી લીધો હતો. પોલીસે આરોપી પાસેથી સોનાનો ચેન કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.