માતા બન્યા બાદ કેટરિના કૈફનો પહેલો બર્થ ડે

એક્ટ્રેસ કેટરિના કૈફે ગુરુવારે માતા બન્યા પછી પોતાનો પહેલો જન્મદિવસ ઉજવ્યો. આ પ્રસંગે તેના પતિ અને એક્ટર વિકી કૌશલે સોશિયલ મીડિયા પર તેમના ઘરના સેલિબ્રેશનની એક તસવીર શેર કરી છે. તસવીરમાં વિકી કેટરિનાને ગળે લગાવતો જોવા મળી રહ્યો છે.

વિકીએ આ પોસ્ટ સાથે હિન્દીમાં લખ્યું, ‘જાનનો જન્મદિવસ.’ બંનેએ આ વખતે પોતાનો જન્મદિવસ ખૂબ જ સાદાઈથી ઘરે જ પરિવાર સાથે ઉજવ્યો છે.

સફેદ અને ગોલ્ડન બલૂન વચ્ચે કેક કાપી શેર કરેલી તસવીરમાં કેટરિનાના હાથમાં કેકનો એક ટુકડો છે અને તે હસી રહી છે. બેકગ્રાઉન્ડમાં સફેદ અને ગોલ્ડન કલરના બલૂન લાગેલા છે અને સાથે જ ‘હેપ્પી બર્થડે’નું બેનર પણ દેખાઈ રહ્યું છે. બંનેએ આ ખાસ દિવસે સાદા કપડાં પહેર્યા હતા. કેટરિનાએ બ્લુ ડેનિમ ડ્રેસ પહેર્યો હતો અને વિકીએ સફેદ શર્ટ સાથે ડાર્ક ટ્રાઉઝર પહેર્યો હતો.

કેટરિના અને વિકી ગયા વર્ષે નવેમ્બરમાં એક પુત્રના માતા-પિતા બન્યા. બંનેએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને ચાહકોને આ જાણકારી આપી હતી. આ પછી 7 જાન્યુઆરી 2026ના રોજ તેમણે દીકરાના નામનો ખુલાસો કર્યો હતો. તેમણે પોતાના દીકરાનું નામ વિહાન કૌશલ રાખ્યું છે. માતા બન્યા પછી કેટરિનાનો આ પહેલો જન્મદિવસ હતો.

સલમાનની સામે પ્રપોઝ કર્યું હતું

વિકી અને કેટરીનાની જોડી બનાવવામાં કરણ જોહરની ભૂમિકા ઘણી મહત્વની રહી છે. જ્યારે કરણે પોતાના ચેટ શો ‘કોફી વિથ કરણ’ માં કેટરીનાને પૂછ્યું હતું કે, તે ભવિષ્યમાં કોની સાથે કામ કરવા ઈચ્છશે? ત્યારે કેટરીનાએ વિકી કૌશલનું નામ લીધું હતું. આ વાત જ્યારે કરણે વિકીને જણાવી, ત્યારે વિકી આ સાંભળીને ખુશીથી દિલ પર હાથ મૂકીને સોફા પર ‘બેભાન’ થવાની એક્ટિંગ કરવા લાગ્યો હતો.

ત્યારબાદ વિકી કૌશલે વર્ષ 2019માં ‘સ્ટાર સ્ક્રીન એવોર્ડ્સ’ દરમિયાન સ્ટેજ પર જાહેરમાં કેટરીનાને લગ્નનો પ્રસ્તાવ આપ્યો હતો. વિકીએ મજાકમાં કહ્યું હતું- ‘હું તમારો બહુ મોટો ફેન છું. આજકાલ લગ્નની મોસમ ચાલી રહી છે, તો તમે પણ કોઈ વિકી કૌશલને શોધીને તેની સાથે લગ્ન કેમ નથી કરી લેતા?’ ત્યારબાદ વિકીએ સીધું જ પૂછી લીધું- ‘મુજસે શાદી કરોગી?’ આ સાંભળીને કેટરીનાએ હસીને જવાબ આપ્યો હતો- ‘હિંમત નથી.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *