મનપાના ખુલ્લા પ્લોટમાં દારૂની મહેફિલ માણતા 2 શખ્સ ઝડપાયા

રાજકોટ શહેરમાં હોમિયોપેથી તબીબે અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. જોકે મહિલાના આપઘાતથી છ મહિનાની બાળકીએ મમતા ગુમાવી છે. જ્યારે અન્ય બનાવમાં નાનામવા સર્કલ પાસે મનપાના ખુલ્લા પ્લોટમાં દારૂની મહેફિલ માણતા 2 શખ્સ ઝડપાઈ ગયા છે.

શહેરના ન્યૂ 150 ફૂટ રોડ પર આવેલા સંસ્કાર એલિગન્સ એપાર્ટમેન્ટમાં રહેતી હોમિયોપેથી ડૉક્ટર માનસી ભાવિન કનેરીયા (ઉ.વ. 30)એ પોતાના ફ્લેટમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. સાંજે રૂમમાંથી છ મહિનાની બાળકીના રડવાનો અવાજ આવતા પતિ ભાવિને માનસીને અવાજ આપ્યો હતો પરંતુ કોઈ જવાબ ન મળતા રૂમમાં જઈ તપાસ કરતાં તે ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. 108 મારફતે તબીબી મદદ બોલાવવામાં આવી હતી, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી. મૃતક મવડી ચોકડી નજીક હોમિયોપેથી ક્લિનિક ચલાવતી હતી. આપઘાતનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

નાનામવા સર્કલ પાસે ખુલ્લા પ્લોટમાં દારૂની મહેફિલથી કાયદાના લીરેલીરા ઉડ્યા નાનામવા સર્કલ નજીક મનપાના ખુલ્લા પ્લોટમાં જાહેરમાં દારૂ પીતા બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા શખ્સોની ઓળખ મુસ્તાક રફીકભાઈ પઠાણ (ઉ.વ. 30) અને ચેતન હસમુખભાઈ રાઠોડ (ઉ.વ. 35) તરીકે થઈ હતી. સ્થળ પરથી દારૂની બોટલ, સોડા, પ્લાસ્ટિક ગ્લાસ અને નાસ્તાની સામગ્રી કબ્જે કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે મિત્રને મળવા આવેલા ચેતન માટે મુસ્તાકે દારૂની મહેફિલ ગોઠવી હતી. કાર્યવાહી દરમિયાન બંને શખ્સોએ નશાની હાલતમાં પોલીસ સાથે ગેરવર્તન કરવાનો પ્રયાસ કર્યો હોવાનું પણ સામે આવ્યું હતું.

પરિણીતાએ પતિ સહિત પાંચ સાસરિયાઓ સામે માનસિક-શારીરિક ત્રાસની ફરિયાદ નોંધાવી રાજકોટની એક પરિણીતાએ અમદાવાદમાં રહેતા પતિ, સાસુ-સસરા, નણંદ અને દાદા સસરા સામે માનસિક તથા શારીરિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ લગ્ન બાદ શરૂઆતમાં દામ્પત્યજીવન સારું ચાલ્યું હતું, પરંતુ બાદમાં નાની-નાની બાબતોમાં ઝઘડા, મારપીટ, અપમાનજનક વર્તન અને પિયરથી પૈસા લાવવાના દબાણ સહિતનો ત્રાસ આપવામાં આવતો હતો. ફરિયાદમાં પતિના અન્ય સ્ત્રી સાથેના સંબંધોની પણ નોંધ લેવામાં આવી છે. પરિણીતાએ છેલ્લા દસ મહિનાથી પિયર ખાતે રહેતી હોવાનું જણાવ્યું છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *