એશિયા કપ 2025માં ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ હજુ સુધી વેચાઈ નથી. આ મેચ ટુર્નામેન્ટમાં 14 સપ્ટેમ્બરે રમાશે. સામાન્ય રીતે આ હાઇ-વોલ્ટેજ મેચની ટિકિટ થોડા કલાકોમાં વેચાઈ જાય છે, પરંતુ આ વખતે ટિકિટની માગ ધીમી પડી ગઈ છે કારણ કે કિંમત 2.5 લાખ રૂપિયા સુધી વધી ગઈ છે અને પેકેજ વેચાણ પણ વધી ગયું છે.
આ વખતે આયોજકોએ ટિકિટિંગ સિસ્ટમમાં ફેરફાર કરીને પેકેજ સિસ્ટમ રજૂ કરી છે. પહેલા ચાહકો ભારત-પાકિસ્તાન મેચ માટે સીધી ટિકિટ ખરીદી શકતા હતા, પરંતુ આ વખતે તેમણે આખું ગ્રૂપ-સ્ટેજ પેકેજ ખરીદવું પડશે. આનો અર્થ એ થયો કે ભારત-પાકિસ્તાન મેચ જોવા માટે, ચાહકોએ એકસાથે કુલ 7 મેચની ટિકિટ ખરીદવી પડશે.
આવી સ્થિતિમાં, જે ચાહકો ફક્ત ભારત-પાકિસ્તાન મેચ જોવા માગે છે, તેમણે બાકીની ગ્રૂપ મેચ માટે પણ ચૂકવણી કરવી પડશે. જોકે, આમાં સુપર-4 અને ફાઈનલ મેચનો સમાવેશ થતો નથી.
ટિકિટિંગ પોર્ટલ પર ઉપલબ્ધ પેકેજની કિંમત બે સીટ માટે લગભગ રૂ. 2.57 લાખ છે, જેમાં બેઠક વ્યવસ્થા, અમર્યાદિત ખોરાક અને પીણાં, પાર્કિંગ પાસ, VIP ક્લબ/લાઉન્જ, પ્રાઇવેટ એન્ટ્રેન્સ અને રેસ્ટ રૂમ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે.
એ જ રીતે, રોયલ બોક્સ 2.30 લાખ, સ્કાય બોક્સ ઈસ્ટ 1.67 લાખ, પ્લેટિનમ 75 હજાર, ગ્રાન્ડ લાઉન્જ 41 હજાર, પેવેલિયન વેસ્ટ 28 હજાર અને સૌથી સસ્તી જનરલ ઈસ્ટ પણ બે સીટ માટે લગભગ 10 હજાર રૂપિયામાં ઉપલબ્ધ છે. આ જ કારણ છે કે ચાહકો માટે ટિકિટ ખરીદવી મોંઘી બની રહી છે.