અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથેના વેપાર અંગે જણાવ્યું કે લાંબા સમય સુધી ભારતે અમેરિકા પર ઊંચા ટેરિફ લગાવ્યા અને તેનો ફાયદો ઉઠાવ્યો. ટ્રમ્પે દાવો કર્યો કે હવે સ્થિતિ બદલાઈ ગઈ છે અને અમેરિકા ભારત પાસેથી સારી કમાણી કરી રહ્યું છે.
ટ્રમ્પે આગળ કહ્યું કે અમેરિકા અને ભારત વચ્ચે ટૂંક સમયમાં એક મોટો વેપાર કરાર પણ થઈ શકે છે કારણ કે હું મોદીને ખૂબ પસંદ કરું છું. મોદી મારા ખૂબ સારા મિત્ર છે. અમારા સંબંધો સારા છે અને અમે એકબીજાને સારી રીતે સમજીએ છીએ.
ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકાની એક ટીમ તાજેતરમાં નવી દિલ્હીમાં ભારત સરકારના અધિકારીઓ સાથે અનેક રાઉન્ડની વાતચીત કરી ચૂકી છે. બંને દેશો એક અસ્થાયી વેપાર કરાર પર સહમતિ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેથી વેપાર સંબંધિત કેટલાક મુદ્દાઓનો ઝડપથી ઉકેલ લાવી શકાય.
ભારતના વાણિજ્ય મંત્રાલયનું કહેવું છે કે વાતચીત સકારાત્મક રહી છે અને બંને દેશો એવો કરાર કરવા માંગે છે જેનાથી ભારત અને અમેરિકા, બંનેને ફાયદો થાય. એટલે કે બંને પક્ષો હજુ પણ વેપાર કરારને આગળ વધારવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે.