ભારતે અમેરિકાના આરોપોને ફગાવી દેતાં કહ્યું છે કે દેશના કોઈપણ ક્ષેત્રમાં જરૂરિયાત કરતાં વધુ ઉત્પાદન ક્ષમતા નથી. કેન્દ્ર સરકારે કહ્યું કે વેપાર સાથે જોડાયેલી ચિંતાઓનો ઉકેલ ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી દ્વિપક્ષીય વાટાઘાટોમાંથી લાવવો જોઈએ.
સરકારે અમેરિકાના ટેરિફ વધારવાની જોગવાઈઓ અંગે સ્પષ્ટ કર્યું કે તે અમેરિકા સાથેની ટ્રેડ ડીલ ઝડપથી પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છે.
અમેરિકાએ 11 માર્ચ 2026ના રોજ ટ્રેડ એક્ટ 1974ની કલમ 301 હેઠળ તપાસ શરૂ કરી હતી. તેમાં ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, વિયેતનામ સહિત 16 દેશો અને આર્થિક ક્ષેત્રો સામેલ હતા. તપાસ બાદ 25 નવેમ્બરે અમેરિકી વેપાર પ્રતિનિધિ કાર્યાલય (USTR)એ 14 અર્થવ્યવસ્થાઓ વિરુદ્ધ નિર્ણય સંભળાવ્યો.
અમેરિકન અહેવાલમાં ભારતની મેક ઇન ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત અને પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) યોજનાઓ પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. અમેરિકાનો આરોપ છે કે આ યોજનાઓથી ભારતીય કંપનીઓની ઉત્પાદન ક્ષમતા વધે છે, જેના કારણે અમેરિકન કંપનીઓને નુકસાન થાય છે.
અમેરિકાએ દવા, મેડિકલ ઉપકરણો, સ્ટીલ, સોલર અને આઈટી ક્ષેત્રો ઉપરાંત ભારતની શ્રમ નીતિઓ, બજાર સુધી પહોંચ અને કાચા માલની આયાત પરની નિર્ભરતા અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે.
ટ્રેડ ડીલ થઈ તો 25%ને બદલે 17% ટેરિફ
અમેરિકાએ ભારત સહિત 16 દેશોની મેન્યુફેક્ચરિંગ ક્ષમતાની તપાસ કર્યા બાદ ભારતીય માલસામાન પર 25% ટેરિફ લાદવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જોકે, ભારત સાથે ટ્રેડ ડીલ થાય તો તેને ઘટાડીને 17% કરી શકાય છે. આ દર બાંગ્લાદેશ, કંબોડિયા, ઇન્ડોનેશિયા, મલેશિયા અને થાઈલેન્ડ માટે પ્રસ્તાવિત 18% ટેરિફ કરતાં પણ ઓછો હશે.
કેટલાક ઉત્પાદનોને વધારાની ડ્યૂટીમાંથી મુક્તિ આપવાની પણ વાત કહેવામાં આવી છે. તેમાં પેટન્ટવાળી દવાઓ, સેમિકન્ડક્ટર, પેસેન્જર વાહનો, વાહનોના સ્પેરપાર્ટ્સ, સ્ટીલ અને એલ્યુમિનિયમ સાથે જોડાયેલી કેટલીક વસ્તુઓનો સમાવેશ થાય છે.