ભાજપનો આગેવાન 30 એકર જમીનમાં દબાણ કરી કરોડો કમાયો: તંત્ર હવે જાગ્યું

રાજકોટ જિલ્લામાં ઠેર-ઠેર ગેરકાયદેસર દબાણ જોવા મળે છે. આમ છતાં વહીવટીતંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. અધિકારીઓની આળસને કારણે દબાણકર્તાઓને જાણે મોકળું મેદાન મળી ગયું હોય તેવો ઘાટ સર્જાયો છે.

રેલનગરમાં દબાણકર્તાઓએ 20 વર્ષ સુધી ખેતીની જમીન પર ખેતી કરી હતી તેનું દબાણ ગત મહિને દૂર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વહીવટી તંત્રને લાલપરી તળાવ પાસે 30 એકરની જમીનમાં કરેલું દબાણ હવે દેખાયું અને તેને દૂર કરવામાં આવ્યું. આ જમીન પર પણ દબાણકર્તાઓએ ખેતી કરી કરોડો રૂપિયા કમાઈ લીધા હતા. આમ એકબાજુ પ્રાંત અધિકારીઓ દબાણકર્તાઓ સામે કાર્યવાહી કરવાની વાતો કરી રહ્યા છે જે માત્ર પોકળ સાબિત થઈ છે. લાલપરી તળાવ પાસે થયેલા દબાણમાં પ્રાંત અધિકારી -2 મહેક જૈને ચુકાદો જાહેર કર્યો હતો.

રાજકોટ શહેરના અમરગઢ ભીચરી ગામના રેવન્યૂ સર્વે નં. 228 પૈકીની 1 લાલપરી તળાવ પાસે આવેલી કરોડોની કિંમતની સરકારી 30 એકર જમીન પર છેલ્લા 15 વર્ષથી દબાણ હતું. આ દબાણ તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય ગૌતમભાઇ કાનગડ તેમના ભાઇ ભરતભાઇ કાનગડ અને નિતિનભાઇ કાનગડ દ્વારા કરવામાં આવ્યું હતું.

આ ત્રણેય ભાઇઓએ લાલપરી તળાવના કાંઠા ઉપર 2 એકર જમીન ખરીદી હતી તેની સાથે સરકારી ખરાબાની 30 એકર જમીન ઉપર કબજો જમાવી ખેતી વિષયક દબાણ કરી લીધું હતું અને ખેતી કરીને 15 વર્ષમાં કરોડો રૂપિયા ભેગા કરી લીધા હતા. દબાણ કરનાર તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય છે. સરકારી જમીન પર ખડકાયેલું દબાણ તાલુકા મામલતદારના ધ્યાન પર આવ્યું હતુ અને તપાસ કરાઈ હતી. તપાસ કરતા દબાણ થયું હોવાનું સાબિત થયુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *