રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા માટેના મોટા-મોટા દાવાઓ કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા કાંઈક જુદી જ ચિત્ર રજૂ કરે છે. અવારનવાર નેતાઓ સફાઈ કરતા હોય તેવા ફોટાઓ પડાવીને સ્વચ્છતા માટે સતત કાર્યરત હોવાનાં બણગા ફૂંકતા હોય છે. શહેરના સૌથી પોશ ગણાતા કાલાવડ રોડ પર આવેલા શ્રીરામ બ્રિજ નીચે જ ગંદકી અને કચરાના ઢગલા જોવા મળ્યા છે. બ્રિજની સુંદરતા વધારવા માટે અહીં ચિત્રનગરી દ્વારા ભગવાન શ્રીરામના જીવન પ્રસંગોના ચિત્રો બનાવવામાં આવ્યા છે, પરંતુ આ ચિત્રોની નીચે જ ગંદકી ખડકાતાં મનપા તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.
જનરલ બોર્ડમાં ખાતરી આપનારા અધિકારીઓ તદ્દન નિંભર બન્યા મનપાની જનરલ બોર્ડ બેઠકોમાં કોર્પોરેટરો દ્વારા ગંદકી મુદ્દે રજૂઆતો કરાય છે અને અધિકારીઓ કચરાના ઢગલા હટાવવાની ખાતરી આપે છે, પરંતુ સ્થિતિ જસની તસ રહે છે. દરરોજ લાખો નાગરિકો જ્યાંથી પસાર થાય છે તેવા ‘ગૌરવ પથ’ જેવા મુખ્ય માર્ગની જ આવી દુર્દશા હોય, તો અંતરિયાળ વિસ્તારો અને સામાન્ય વોર્ડની હાલત કેટલી બદતર હશે તેની કલ્પના કરી શકાય છે.