શહેરના જામનગર રોડ પર પરાસર પાર્ક વોરા સોસાયટી પાસે રહેતા જયદીપ જયેશભાઈ લખતરિયા(ઉ.વ.23) દ્વારા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે શીતલપાર્ક પાસે આવેલી આર.કે આઇકોનિક્સ ખાતે આઈ.એમ.એસ(ઇન્સ્ટન્ટ મની સોલ્યુશન નામની કંપની)ના પાર્ટનર રાજીવ તથા પાર્થિવના નામ આપ્યા છે.
જયદીપે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેને અયોધ્યા ચોક પાસે એચ.જે.હેર સલૂન નામની દુકાન આવેલી છે. યુવાને ગત તા.28/05/2025ના રોજ ફાઈનાન્સ કંપનીમાં જઈ પોતાની ઈનોવા કાર પર લોન કરાવી સાડા ત્રણ લાખની જરૂરિયાત હોવાની વાત કરી હતી. પરંતુ કાર જૂની હોવાથી આટલી મોટી લોન કરવાની ના કહી યુવકના નામે આઈડીએફસી બેન્કમાં પર્સનલ લોન કરાવી આપવાનું કહ્યું હતું.
ત્યારબાદ આઈ.એમ.એસ કંપનીના પાર્ટનર રાજીવ તથા પાર્થિવે મળી અલગ-અલગ તારીખે યુવાનના નામ પર આઈડીએફસી બેન્કમાંથી રૂપિયા 2.99 લાખની પર્સનલ લોનની રકમ તથા જુદી-જુદી એપ્લિકેશન અને અન્ય ફાઈનાન્સમાથી કટકે કટકે લોનની રકમ મળી કુલ રૂ.4,00,057ની બેન્ક એકાઉન્ટમાં જમા થયા હતા.
જે રકમમાંથી રાજીવે યુવાનને રકમ પરત આપવાની લાલચ આપી કટકે-કટકે એમ કુલ રકમ મળી રૂ.2,00,522 જેટલા રૂપિયા અલગ-અલગ વ્યક્તિઓના નામે સ્કેનરોમાં આ રકમ ટ્રાન્સફર કરાવી હતી. તેમજ આઇડીએફસી બેન્કમાંથી યુવાનના નામે 43,530નો મોબાઇલ ફોન લોનથી ખરીદી કોઈને વેચી દીધો હતો. આ અંગે ફરિયાદ નોંધાઇ છે.