રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રની ધર્મપ્રેમી જનતા માટે આજથી ત્રણ દિવસ ઘર આંગણે બાગેશ્વરધામ સરકારના દર્શન-સત્સંગ, કથા અને દિવ્ય દરબારનો ત્રિવેણી સંગમ જોવા મળશે. જૂન, 2023 બાદ ફરી એકવાર આજે એટલે કે, 5 જૂન, 2026ના રોજ બાગેશ્વરધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી રાજકોટ પહોંચ્યા હતા.
રાજકોટના અમીન માર્ગ પર આવેલા કિંગ્સ હાઈટ્સ ખાતે ધીરેન્દ્ર શાસ્ત્રીનું સ્થાનિક લોકોએ તેમજ આયોજકોએ ફૂલ હારથી સ્વાગત કર્યું હતું. સાંજે સાત વાગ્યા આસપાસ રેસકોર્સ મેદાન ખાતે હનુમાન કથામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. જોકે, હનુમાન કથા પહેલા સાંસ્કૃતિ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.
આ દરમિયાન રમતા જોગી આયા ભજન પર શ્રદ્ધાળુઓ ઝૂમી ઉઠ્યા હતા. રાત્રે 8 વાગ્યાની આસપાસ ધીરેન્દ્ર શાસ્ત્રી હનુમાન કથાના સભા સ્થળ પર પહોંચ્યા હતા. આ દરમિયાન એક મહિલા ધીરેન્દ્ર શાસ્ત્રીના પોસ્ટર સાથે પહોંચી હતી. કથા શરૂ કરતા પહેલાં વિરોધકર્તાઓને ટકોર કરતા કહ્યું હતું કે, ત્રણ વર્ષ પછી આવ્યો છું એટલે આ વખતે ત્રણ દિવસ રોકાવાનો છું.
મારો વિરોધ કરવા કરતા ચાદર ચડાવવા જતા હિન્દુઓનો વિરોધ કરો હું હિન્દુ રાષ્ટ્રની વાત કરું છું. હિન્દુ ધર્મની વાત કરું છું. મારો વિરોધ કરતા લોકોને કહેવા માંગુ છું કે, મારી પાસે કોઈ મેલી વિદ્યા નથી. હું આજે આવ્યો છું અને ફરી રાજકોટ આવવાનો જ છું. મારો વિરોધ કરવા કરતા ચાદર ચડાવવા જતા હિન્દુઓનો વિરોધ કરવા જાય એવી હું અપીલ કરું છું.