રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સુખોઈ SU-57 સ્ટીલ્થ ફાઇટર જેટ અંગે ભારતને એક મહત્વપૂર્ણ ઓફર કરી છે. તેમણે જણાવ્યું હતું કે રશિયા ભારત સાથે સંયુક્ત રીતે આ ફાઇટર પ્લેન વિકસાવવા અને તેનું ઉત્પાદન કરવા માટે તૈયાર છે. રશિયા જરુરી સંરક્ષણ ટેકનોલોજી શેર કરવા માટે પણ તૈયાર છે.
પુતિને ગુરુવારે સેન્ટ પીટર્સબર્ગ ઇન્ટરનેશનલ ઇકોનોમિક ફોરમ દરમિયાન ઈન્ટરનેશનલ મીડિયા સાથે વાતચીત કરી. આ દરમિયાન તેમણે કહ્યું કે પહેલા પણ ભારતને તેના બનાવવાના પ્રોજેક્ટમાં ભાગીદાર બનવાની ઓફર આપી હતી. તે સમયે ભારતે કહ્યું હતું કે રશિયા પહેલા આ પ્રોજેક્ટને આગળ વધારે, ત્યારબાદ ભારત તેમાં સામેલ થવા પર વિચાર કરશે.
પુતિને સુખોઈ SU-57ના વખાણ કરતા કહ્યું કે આ પાંચમી પેઢીનું ફાઇટર પ્લેન છે અને તેમની દ્રષ્ટિએ વિશ્વના શ્રેષ્ઠ ફાઇટર જેટ્સમાંથી એક છે. તેમાં સ્ટેલ્થ ક્ષમતા, ઉચ્ચ ગતિશીલતા, આધુનિક એવિઓનિક્સ અને મલ્ટી-રોલ કોમ્બેટ ક્ષમતાઓ છે.
સુખોઈ SU-57 હવા, જમીન અને દરિયાઈ લક્ષ્યો પર હુમલો કરવામાં સક્ષમ છે. દુનિયામાં બહુ ઓછા પાંચમી પેઢીના ફાઇટર પ્લેન છે જેમાં SU-5 સાથે ચીનનું J-35 અને અમેરિકાના F-35નો સમાવેશ થાય છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર રશિયાએ ભારતને 2018ની આસપાસ સુખોઈ પ્રોજેક્ટમાં સામેલ થવાનો પ્રસ્તાવ આપ્યો હતો, તે સમયે ભારતે SU-57 પ્રોજેક્ટમાં રસ દાખવ્યો હતો, પરંતુ ભારતીય વાયુસેનાનું માનવું હતું કે આ વિમાન તેની તમામ જરૂરિયાતો પૂરી કરતું નથી.