પાક રક્ષા મંત્રી બોલ્યા- તાલિબાન સાથે મિત્રતા ભૂલ હતી

પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે કહ્યું છે કે તાલિબાન સાથે મિત્રતા કરવી પાકિસ્તાનની બહુ મોટી ભૂલ હતી. પાકિસ્તાન હવે તેનું પરિણામ ભોગવી રહ્યું છે. ન્યૂયોર્કમાં એક અફઘાન મહિલા પત્રકારના સવાલનો જવાબ આપતાં તેમણે આ વાત કહી.

મહિલા પત્રકારે ખ્વાજા આસિફને પૂછ્યું હતું કે અફઘાન મહિલાઓને લઈને તાલિબાનની નીતિઓ અંગે તમારો શું સંદેશ છે? પાકિસ્તાને શરૂઆતમાં જ તાલિબાનને મહિલાઓના અધિકારો વિશે કેમ સમજાવ્યું નહીં?

પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફ દ્વારા ગળું કાપવાનો ઈશારો કરવા અને તાલિબાન સાથેની મિત્રતાને ભૂલ ગણાવવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. કેટલાક લોકો ગંભીર સવાલોના જવાબ હસી-મજાકમાં આપવા બદલ પણ પાકિસ્તાનના રક્ષા મંત્રીની ટીકા કરી રહ્યા છે.

2021માં તાલિબાન સત્તા પર પાછું ફર્યું ત્યારે પાકિસ્તાને તેને પોતાના માટે ફાયદાકારક માન્યું હતું. પરંતુ ત્યાર બાદ બંને દેશોના સંબંધો સતત બગડતા ગયા. પાકિસ્તાનનો આરોપ છે કે TTPના લડવૈયાઓ અફઘાનિસ્તાનમાં ઠેકાણા બનાવીને પાકિસ્તાનમાં હુમલા કરે છે. તાલિબાન આ આરોપોને નકારે છે.

આ ઉપરાંત બંને દેશો વચ્ચે ડ્યુરન્ડ લાઇનને લઈને પણ જૂનો વિવાદ છે. સરહદ પર વાડ લગાવવા, ચોકીઓ બનાવવા અને અવરજવરને લઈને ઘણી વખત બંને તરફના સૈનિકો વચ્ચે અથડામણો થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *