થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં ભારે વરસાદ બાદ પૂરથી પરિસ્થિતિ વણસી ગઈ છે. રસ્તાઓ પર પાણી ભરાઈ જવાથી વાહનો ડૂબી ગયા અને બસોમાં પણ પાણી ઘૂસી ગયું. ઘણા વિસ્તારોમાં લોકો કમર સુધી ભરાયેલા પાણીમાંથી પસાર થવા મજબૂર છે.
આ દરમિયાન પૂરના પાણીમાં સાપ દેખાતા હોવાની તસવીરો અને વીડિયો પણ સામે આવ્યા છે. પ્રશાસને શહેરના તમામ 50 જિલ્લાઓને આપત્તિગ્રસ્ત વિસ્તાર જાહેર કર્યા છે. હવામાન વિભાગે 27 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની ચેતવણી આપી છે.
બેંગકોકના કેટલાક વિસ્તારોમાં શનિવાર સુધીના 48 કલાક દરમિયાન આશરે 300 મિમી વરસાદ નોંધાયો હતો. સતત વરસાદને કારણે મુખ્ય રસ્તાઓ જળબંબાકાર થઈ ગયા છે.