પાકિસ્તાનના કરાચીમાં ઠગો નોકરીની લાલચ આપીને ઓછામાં ઓછી 60 યુવતીઓના મોબાઇલ ફોન લઈને ફરાર થઈ ગયા. ઠગોએ સોશિયલ મીડિયા અને વોટ્સએપ ગ્રુપ દ્વારા તેમને એક કાર્યક્રમમાં સ્ટોલ સંભાળવાનું કામ આપ્યું હતું.
30 સપ્ટેમ્બરે તમામ યુવતીઓને કરાચીની બહાર આવેલા એક ફાર્મહાઉસમાં લઈ જવામાં આવી હતી, જ્યાં કંપનીની પોલિસી છે એવો હવાલો આપીને તેમના મોબાઇલ જમા કરાવી લેવામાં આવ્યા હતા. થોડા સમય બાદ ઠગો મોબાઇલથી ભરેલી બેગ લઈને બાઇક પર ફરાર થઈ ગયા.
પોલીસે મંગળવારે જણાવ્યું કે મુખ્ય આરોપી હજુ પણ ફરાર છે. તેના બે ભાઈઓને પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા છે, જ્યારે એક મહિલા સાથીદારને પણ કસ્ટડીમાં લેવામાં આવી છે.
સ્થાનિક પોલીસકર્મી મુહમ્મદ અલીએ જણાવ્યું કે તમામ યુવતીઓ નોકરીની શોધમાં હતી અને મધ્યમવર્ગીય પરિવારોમાંથી આવતી હતી.
તેમને એક અઠવાડિયા સુધી કામ કરવા માટે દરરોજ 2,000 પાકિસ્તાની રૂપિયા અને અન્ય સુવિધાઓ આપવાનું વચન આપવામાં આવ્યું હતું.
તેમને જણાવવામાં આવ્યું હતું કે કરાચીની બહાર આવેલી એક ગેટેડ કમ્યુનિટીમાં કાર્યક્રમ યોજાશે, જ્યાં તેમને સ્ટોલ લગાવવાના છે.