ભાણેજ મામાના રૂ.13.50 લાખના સોનાના દાગીના ઓળવી ગયો

રાજકોટના વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા યુવક સાથે તેના જ ભાણેજએ રૂ.13.50 લાખની કિંમતના સોનાના દાગીનાની ઠગાઈ આચરી વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. ફોટા પાડવાના બહાને 8 તોલાનો સોનાનો ચેન અને દોઢ તોલાની સોનાની વીંટી પડાવી લઈ ભાણો રફુચક્કર થઈ જતા બનાવ અંગે યુનિવર્સીટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગળામાં 8 તોલાનો સોનાનો ચેન અને આંગળીમાં દોઢ તોલા સોનાની વીંટી પહેરેલી
​રાજકોટ શહેરના વિજય પ્લોટ શેરી નંબર 6માં રહેતા 29 વર્ષીય જયેશભાઈ અશોકભાઈ ચૌહાણ મ્યુઝિક સિસ્ટમનો વેપાર કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત તારીખ 01.07.2026ના રોજ રાત્રે 9 વાગ્યા આસપાસ તેમના સગા ફોઈના દીકરીના પુત્ર એટલે કે ભાણેજ નીતીન ઉર્ફે રાજ લાલજીભાઈ ડાભીનો ફોન આવ્યો હતો. જેમાં નીતીને ફરિયાદી જયેશભાઈને ભૂતખાના ચોક પાસે તાત્કાલિક મળવા બોલાવ્યા હતા જેથી તેઓ ભૂતખાના ચોક પહોંચ્યા હતા. આ સમયે જયેશભાઈએ ગળામાં 8 તોલાનો સોનાનો ચેન અને આંગળીમાં દોઢ તોલા સોનાની વીંટી પહેરેલી હતી.

‘તમારો સોનાનો ચેન અને વીંટી મને આપો, મારે તેનાથી સારા ફોટા પાડવા છે’
નીતીને તેમને સાથે જમવા જવાનું કહ્યું હતું પરંતુ જયેશભાઈએ ઘરે જમવાનું હોવાનું જણાવતા નીતીને તેને કોર્પોરેશન ચોક ખાતે ઉતારી દીધો હતો. બાદમાં જયેશભાઈ ઘરેથી જમીને પરત આવ્યા ત્યારે નીતીને પત્ની માટે ઢોસા પાર્સલ લેવાનું કહી મોટરસાયકલ પોતાની પાસે ચલાવવા લીધું હતું. બંને જણા રૈયા રોડ પર આવેલા મદ્રાસ કાફે ઢોસા સેન્ટર પાસે પહોંચ્યા હતા અને પાર્સલનો ઓર્ડર આપ્યો હતો. આ સમયે નીતીને પોતાના મોબાઈલમાંથી જયેશભાઈના ફોટા પાડવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ તેણે જયેશભાઈને કહ્યું હતું કે, “તમારો સોનાનો ચેન અને વીંટી મને આપો, મારે તેનાથી સારા ફોટા પાડવા છે.” મામાએ ભાણા પર વિશ્વાસ મૂકીને પોતાના 12 લાખની કિંમતનો 8 તોલાનો સોનાનો ચેન તથા 1.50 લાખની કિંમતની દોઢ તોલાની સોનાની વીંટી તેને પહેરવા આપી દીધા હતા.

સોનાના દાગીના ત્વરિત પરત માગ્યા
​ફોટા પાડ્યા બાદ જયેશભાઈએ પોતાના દાગીના પરત માગતા નીતીને પાર્સલ ઘરે આપીને દાગીના પાછા આપી દેશે તેવો વાયદો કર્યો હતો. ત્યારબાદ નીતીને શાંતિનગર સ્થિત પોતાના ભાડાના મકાને પત્નીને ઢોસાનું પાર્સલ આપ્યું અને કપડાં બદલી લીધા હતા. ત્યાંથી બંને ખોડિયાર હોટેલ ગયા જ્યાં નીતીને પોતાના મિત્રને ફોન આપી માત્ર સિમકાર્ડ પોતાની પાસે રાખી લીધું હતું. આ બાબતે જયેશભાઈને શંકા જતાં તેમણે ફરી પોતાના સોનાના દાગીના ત્વરિત પરત માગ્યા હતા. જોકે, ભાણાએ દાગીના પરત આપવાના બદલે બાઈક ચલાવી તેમને જામનગર રોડ અને સિવિલ હોસ્પિટલ બ્રિજ થઈને પારેવડી ચોક તરફ લઈ ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *