ભારતે પહેલી T20માં વેસ્ટ ઇન્ડીઝને 8 વિકેટે હરાવ્યું છે. T20 ઇન્ટરનેશનલમાં ટીમ ઈન્ડિયાની આ સતત 10મી જીત પણ છે. ભારત જુલાઈ 2026માં ઝિમ્બાબ્વે સિરીઝ પછી એક પણ મેચ હાર્યું નથી.
ટૉસ હારતા પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઇન્ડીઝ મંગળવારે 19.1 ઓવરમાં 171 રન બનાવીને ઓલઆઉટ થઈ ગયું હતું. કેપ્ટન શાઈ હોપે 52 રન બનાયા હતા, જ્યારે શેરફેન રધરફોર્ડે 56 રનની ઇનિંગ રમી હતી. ભારત તરફથી ડેબ્યૂ કરી રહેલા નમન ધીરે 3 વિકેટ લીધી હતી. આ સિવાય કુલદીપ યાદવ અને અક્ષર પટેલને 2-2 વિકેટ મળી હતી.
જવાબમાં ભારતે 14.4 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 172 રન બનાવી ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. કેપ્ટન શ્રેયસ અય્યરે નોટઆઉટ 102 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેણે માત્ર 42 બોલમાં સદી ફટકારતા 10 ચોગ્ગા અને 6 છગ્ગા માર્યા હતા. ઈશાન કિશને અણનમ 37 રન બનાવ્યા હતા. બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે 67 બોલ પર 137 રનની ભાગીદારી થઈ હતી.
શ્રેયસ અય્યર 35 રન પર 2 વિકેટ પડ્યા બાદ બેટિંગ કરવા આવ્યો હતો અને 42 બોલમાં પોતાની પ્રથમ T20 સદી પૂરી કરી હતી. તેણે 14.3 ઓવરમાં રોસ્ટન ચેઝના બોલ પર લોંગ-ઓન ઉપર છગ્ગો મારીને સેન્ચુરી પૂરી કરી. પછીના બોલ પર 1 રન લઈને ભારતે 14.4 ઓવરમાં 8 વિકેટે જીત મેળવી લીધી. ઈશાન કિશને તેનો સાથ આપ્યો હતો.