પરિણીતા સાથે પ્રેમ સંબંધ બાદ વિરહમાં યુવાને ગળાફાંસો ખાઈ લીધો

રાજકોટના શહેરના ક્રિષ્ના કાંટાની બાજુમાં અમુલ કારખાનાની ઓરડીમાં રહેતા અશોકભાઈ રામજીભાઈ પરમાર (ઉં.વ.32) નામના યુવકે પોતે ઓરડીમાં હતો ત્યારે ગળાફાંસો ખાઈ લેતા 108 એમબ્યુલન્સની ટીમે સ્થળે દોડી જઇ જોઈ તપાસી યુવકને મૃત જાહેર કર્યો હતો. બનાવને પગલે કુવાડવા રોડ પોલીસ મથકને જાણ થતાં હેડ કોન્સ્ટેબલ મકવાણા સહિતના સ્ટાફે સ્થળે દોડી જઇ જરૂરી તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવકને 8 વર્ષ પૂર્વે ભરતનગરમાં રહેતી પરિણીતા સાથે પ્રેમ સંબંધ બંધાયો હોય જેમાં પરિણીતાએ પૂર્વ પતિને છોડી ત્રણેય સંતાનોને લઈ અશોક સાથે સંબંધ બાંધ્યો હતો. જેમાં બંનેને સંતાનમાં એક પુત્રની પ્રાપ્તિ થઈ હતી.બાદમાં પરિણીતાને તેના પૂર્વ પતિ સાથે થોડા સમય પૂર્વે જ સમાધાન થઈ ગયું હોય જેથી તેણીએ તેના પૂર્વ પતિ પાસે જઈ રહેવા લાગતા પરિણીતાના વિરહમાં યુવકે પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તારણ મળી આવ્યું છે. વધુમાં પ્રાપ્ત માહિતી અનુસાર અમુલ કારખાનામાં યુવકના પિતા સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. યુવક છૂટક મજૂરી કરી ઘરનું ગુજરાન ચલાવતો હતો.આપઘાતના અન્ય બનાવમાં પ્રાપ્ત વિગતો અનુસાર, રૈયા ગામ મુક્તિધામ સ્મશાનની સામેની બાજુ રહેતા કપિલદાસ કટ્ટા (ઉં.વ.45) નામના પ્રૌઢે અકળ કારણસર ફાંસો ખાઈ આપઘાત કરી લેતા બનાવને પગલે યુનિવર્સિટી પોલીસ મથકના સ્ટાફે ઘટના સ્થળે દોડી જઇ વધુ તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *