રાજકોટના યુવરાજનગરમાં યુવકના આપઘાત કેસમાં નવો ખુલાસો થયો છે. જેમાં પત્નીનો પ્રેમી લોખંડની ટોમી લઈ મારવા દોડતા વિપુલ રાઠોડે દોટ મૂકી રાંદરડા તળાવમાં ઝંપલાવી આપઘાત કર્યો હોવાનું સામે આવતા આજીડેમ પોલીસે આરોપી કિશન સોલંકી સામે મરવા મજબુર કર્યાની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. આરોપીની ધરપકડ કરી લોખંડની ટોમી અને રીક્ષા જપ્ત કરી રિમાન્ડ મેળવવા તપાસ તજવીજ હાથ ધરી છે.
મૃતકની પત્ની રિસામણે જતી રહી હતી બનાવ અંગે યુવરાજનગરમાં રહેતાં મૂળ ચોટીલાના રામપરા ગામના વતની રંજનબેન રાઠોડ (ઉ.વ.45)એ નોંધાવેલી ફરીયાદમાં આરોપી તરીકે કિશન સોલંકીનું નામ આપ્યું છે. આજીડેમ પોલીસે મરવા મજબુર કર્યાની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ફરીયાદીએ જણાવ્યું હતું કે, સૌથી મોટો દીકરો વિપુલ (ઉ.વ.26) હતો, તેણે આશરે 6 વર્ષ પહેલા ગંજીવાડાના સુરેશભાઈ રોજાસરાની દીકરી પાયલ સાથે પ્રેમલગ્ન કર્યા હતા.
વિપુલને સંતાનમા 5 વર્ષની એક દીકરી અને દીકરો છે. પાયલને અગાઉ બબલુ સાથે પ્રેમ સંબંધ હતો અને આ બાબતે દિકરા વિપુલને જાણ થતા તેઓ બન્ને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. જેથી છેલ્લા દોઢેક વર્ષથી પાયલ તેના માવતરે રીસામણે જતી રહી હતી અને બંન્ને છોકરા પણ તેની સાથે લઇ ગઈ હતી.
પાયલ તથા તેની માં કૈલાશબેન ઉર્ફે લાલની રાણી સાથે તેઓ માંડાડુંગર રાધિકા સોસાયટી તથા ગંજીવાડામાં રહેતા હતા. થોડા સમય પહેલા પાયલને તેના કુટુંબી માસીના દીકરા કિશન સોલંકી સાથે પણ અનૈતિક સંબંધ હોવાની દીકરા વિપુલને જાણ થઈ હતી. આ કારણે દીકરા વિપુલ તથા કીશનને એકાદ મહીના પહેલા પણ ઝઘડો થયો હતો. 6 જૂનના રોજ સવારના 7 વાગ્યે વિપુલ ફાકી ખાવા જવાનુ કહી ઘરેથી નીકળ્યો હતો. જે બાદ 9 વાગ્યે દીકરી કીરણ તથા જમાઈ વિપુલ બન્ને ઘરે આવ્યા હતા. ત્યારે વિપુલ ઘરની શેરી નજીક ગીરધર બાપાના ડેલા પાસે કિશન સાથે તેની રીક્ષામાં બેઠો હતો.