AISAના અધ્યક્ષ નેહા બોરાએ ગુરુવારે દિલ્હી હાઈકોર્ટમાં કહ્યું કે દેશના નાગરિકોને તિરંગો ફરકાવવા માટે કોઈ પરવાનગીની જરૂર નથી.
તેમણે આગળ કહ્યું કે 16 ઓક્ટોબરે દિલ્હીમાં યોજાયેલી CJPની તિરંગા રેલીમાં તેમની કોઈ ભૂમિકા નહોતી. બોરાએ દિલ્હી પોલીસની તે નોટિસને પડકારી છે, જેમાં તેમને તપાસ દરમિયાન શાંતિ જાળવવા માટે ₹10,000નું વ્યક્તિગત બોન્ડ અને એક જામીનદાર આપવાનું કહેવામાં આવ્યું હતું. કોર્ટ શુક્રવારે સાંજે 6 વાગ્યે ચુકાદો આપશે.
દરમિયાન, દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે કોકરોચ જનતા પાર્ટી (CJP)ના નેતાઓ સૌરવ દાસ અને આશુતોષ રાંકાને ગુરુવારે રાજૌરી ગાર્ડન સ્થિત પોતાની ઓફિસમાં હાજર થવા માટે સમન્સ મોકલ્યું હતું, પરંતુ બંને ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ હાજર થયા નહોતા. તેમણે પોલીસ પાસેથી વધુ સમય માગ્યો છે. પોલીસ તેમને નવી નોટિસ જાહેર કરશે.
સરકારે 12 ઓક્ટોબરે જંતર-મંતરને પ્રદર્શન સ્થળોની યાદીમાંથી હટાવી દીધું હતું. તેમ છતાં 13 ઓક્ટોબરે આશુતોષ અને સૌરવ તિરંગો લઈને ત્યાં પહોંચી ગયા હતા. શાંતિના નિયમો તોડવાના આરોપમાં તેમને 5 દિવસ માટે જેલમાં મોકલી દેવાયા હતા.
ત્યારબાદ 19 ઓક્ટોબરે તેમની કસ્ટડી વધુ 2 દિવસ લંબાવવામાં આવી હતી. આ પહેલાં બુધવારે જ દિલ્હી હાઈકોર્ટે આ મામલે હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે નેતાઓ પહેલાં મેજિસ્ટ્રેટનો નિર્ણય આવવા દે. જરૂર પડે તો ઉચ્ચ અદાલતનો દરવાજો ખખડાવે.