રાજકોટ શહેરમાં હાલ ડામર કામ ઘણી જગ્યાએ અટકી પડ્યા છે. ક્રૂડની આડપેદાશ તરીકે નીકળતા ડામર ખાસ પ્રકારના પ્લાન્ટમાં જાય છે અને બાદમાં મિક્સ કરીને તેનો ઉપયોગ રોડ બનાવવા માટે થાય છે. હાલ યુદ્ધની સ્થિતિના નામ લેવાઈ રહ્યું છે પણ હકીકતે નયારાની રિફાઈનરીનો શટડાઉન તેમાં કારણભૂત છે.
જામનગર સ્થિત નયારાની રિફાઈનરીએ મેન્ટેનન્સ માટે શટડાઉન રાખ્યો છે. આ શટડાઉન દરમિયાન રિફાઈનરીમાં નાના મોટા સમારકામ કરવામાં આવશે. તેને કારણે રિફાઈનરીમાંથી પેટ્રોલ-ડીઝલ સહિત બધી જ પેટ્રોલિયમ પેદાશ બંધ થઈ છે જેમાં ડામરનો સમાવેશ થાય છે. આ કારણે સપ્લાય ધીમી થઈ છે. જેની સીધી અસર ડામરકામ પર પડી રહી છે.
નવા ભળેલા વિસ્તારો જેવા કે માધાપર, ઘંટેશ્વર સહિતના વિસ્તારોમાં જ્યાં કામ ચાલુ કરવાના છે ત્યાં બ્રેક લાગી ગઈ છે. જ્યાં પહેલાથી કામ ચાલુ છે તેમાં હવે પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. જ્યારે મોટા પ્રોજેક્ટમાં પણ તેની અસર ધીમે ધીમે વર્તાઈ રહી છે.
સામાન્ય રીતે ચોમાસા બાદ ડામરની અછત વર્તાતી હોય છે પણ હવે ભરઉનાળે ડામરના પ્લાન્ટ ચોમાસામાં બંધ થઈ જતા હોય છે. ચોમાસા બાદ જ્યારે રોડ રિપેર કરવાના હોય ત્યારે ડામરની અછત વર્તાતી હોય છે. કારણ કે જ્યાં સુધી કપચી પૂરી રીતે સૂકાય નહિ ત્યાં સુધી તેને ડામરમાં મિક્સ કરી શકાય નહિ. આ કારણે અમુક પ્લાન્ટ જ કામ કરતા હોય છે. જ્યારે હાલ ડામરની અછતના કારણે ભરઉનાળે તકલીફ પડી છે. જો રિફાઈનરીમાંથી ઝડપથી ડામરની સપ્લાય નહિ મળે તો એકાદ બે મહિનામાં વરસાદને કારણે ફરી ચાર મહિના કામ બંધ રહેશે.