‘દીકરીને મારી નાખીશ પણ તને તો નહીં જ આપું

રાજકોટના કુવાડવા રોડ પરની સોસાયટીમાં 12 ઓક્ટોબરે સવા બે વર્ષની બાળકીને પાંચમા માળેથી ફેંકી મોતને ઘાટ ઉતારનાર બીજું કોઈ નહીં, પરંતુ તેની જનેતા જ હોવાનું સામે આવ્યું હતું. ત્યારે હવે દીકરીના પિતા અને આરોપી મહિલાના પતિએ ફરિયાદમાં જણાવ્યું કે, હું પુત્રી માંગતો તો કહેતી ‘મારી નાંખીશ પણ તને નહીં આપું’. એ સાથે જ મહિલા આરોપી પોલીસને કહી રહી છે કે, મારો મગજ ભમતો હતો, મને ખબર ન હતી હું શું કરી રહી છું.

કામ છુટી જતા પત્ની સાથે ઝઘડા થતા
દીકરીના પિતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, મારા લગ્ન બે વર્ષ પહેલા મનીષા ( નામ બદલ્યું છે ) સાથે થયા હતાં. એ પછી એક દીકરીનો જન્મ થયો હતો. અમારૂ લગ્નજીવન બરાબર ચાલતુ હતું. દરમિયાન વર્ષ 2024માં મારા પિતાજીનું અવસાન થયા બાદ મારો કુરિયરનો કામધંધો છુટી ગયો હતો. પછી મારે પત્ની સાથે નાની મોટી વાતે ઝઘડા થતાં હતાં. ઝઘડા વધી જતાં મનીષાએ આજથી દોઢ વર્ષ પહેલા તેના માવતરે રિસામણે જતી રહી હતી. અમે કુટુંબીજનો, સમાજના આગેવાનો મારફત પરત મારા ઘરે લઇ આવવા પ્રયાસ કર્યા હતાં. પણ તે આવવા તૈયાર ન હતી.

મનીષા મારા ઘરે આવતી ન હોઈ મેં મારી દીકરીને મને સોંપી દેવા કહ્યું હતું. પરંતુ મને દીકરી સોંપવા તૈયાર ન હતી. મેં ઘણા પ્રયાસ કર્યા પણ તે ના પાડી દેતી હતી. હું જ્યારે પણ દીકરી સોંપી દેવાનું કહેતો ત્યારે કહેતી કે તારી દીકરી મારે પણ જોઈતી નથી અને તને આપવી નથી, હું એને મારી નાંખીશ પણ તને તો નહીં જ સોંપું. આથી તેને કહ્યું કે તારે દીકરી ન જોઈ તો હોય તો મને આપી દે, તું અજુગતું પગલુ ભરતી નહીં. મેં આ વાત મારા પરિવારજનોને પણ કહી હતી.

‘દીકરીના મોતના સમાચાર સમયે જ મને શંકા હતી’
વધુમાં દીકરીના પિતાએ કહ્યું કે, અમે ફરી વખત સમાધાનના પ્રયાસ કર્યા હતાં. પરંતુ તે સફળ રહ્યા ન હતાં. આ દરમિયાન 12 ઓક્ટોબરે રાતે મારા મોટા ભાઇ દ્વારા મને જાણ થઇ હતી કે મારી દીકરી પાંચમા માળેથી પડી જતાં મૃત્યુ થયું છે. ત્યારે જ શંકા ઉપજી હતી કે મારી દીકરી સરખી ચાલી પણ શકતી ન હતી, તો તે કઇ રીતે ઉપરથી પડી જાય? અગાઉ મારી પત્નીએ દીકરીને મારી નાખવાની ધમકી દીધી હોય મને તેના પર શંકા ઉપજી હતી. અંતે પોલીસ તપાસ બાદ મને ખબર પડી હતી કે મારી દીકરીને મારી પત્નીએ ફેંકીને હત્યા કરી નાખી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *