રાજકોટની તન્વી ગોલ્ડ રિફાઇનરીના ચકચારી લૂંટ વિથ મર્ડર કેસમાં લૂંટકાંડ દરમિયાન ફાયરિંગ કરનાર મુખ્ય શૂટર અનુરાગ સિંહ રાજપૂતને જ્યારે પોલીસ ટીમ ઘટનાસ્થળે પંચનામું કરવા અને પુરાવા એકત્ર કરવા માટે લઈ ગઈ હતી, ત્યારે તેણે પોલીસ કાફલા પર જીવલેણ હુમલો કરી દીધો હતો. આરોપી અનુરાગે સ્થળ પર છુપાવી રાખેલા અન્ય એક છૂપા હથિયાર વડે પોલીસ જવાનો પર અચાનક બે રાઉન્ડ ધડાધડ ફાયરિંગ શરૂ કરી દેતાં સ્થળ પર નાસભાગ અને અફરાતફરી મચી ગઈ હતી.
પોલીસ ટીમ પર અચાનક થયેલા આ ગોળીબાર બાદ ક્રાઇમ બ્રાન્ચના PSI વનરાજસિંહ ડોડીયાએ સમયસૂચકતા અને અદભુત હિંમત દાખવીને સ્વબચાવમાં તાત્કાલિક વળતું ફાયરિંગ કર્યું હતું. PSI દ્વારા ચલાવવામાં આવેલી ગોળી આરોપી અનુરાગના પગમાં વાગતાં તે લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો અને પોલીસે તેને તુરંત જ કાબૂમાં લઈ લીધો હતો. પગમાં ગોળી વાગવાથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા આરોપી અનુરાગને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તાત્કાલિક રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. પોલીસ પર હુમલાની આ ઘટના બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ ઘટનાસ્થળે અને હોસ્પિટલ દોડી ગયો હતો.
રાજકોટ ઝોન-2 DCP રાકેશ દેસાઈએ જણાવ્યું હતું કે, લૂંટ વિથ મર્ડરની ઘટનાની તપાસ ડીસીબી પોલીસ સ્ટેશન અંતર્ગત ચાલી રહી છે. આ તપાસના ભાગરૂપે ડીસીબી પોલીસ સ્ટેશનના PSI ડોડીયાની ટીમ આરોપી અનુરાગસિંહ રાજપૂતને લઈને ગુનામાં વપરાયેલ હથિયારની ડિસ્કવરી માટે એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા આર.કે. ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં ગઈ હતી. આ દરમિયાન આરોપીએ તે જગ્યા પર છુપાવેલું બીજું હથિયાર કાઢીને પોલીસ ટીમ પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
જેના પ્રતિકાર રૂપે પીએસઆઈ ડોડીયાએ સ્વબચાવમાં બહાદુરીપૂર્વક સામનો કરીને આરોપી અનુરાગસિંહ રાજપૂતના પગમાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેને લઈને આરોપી ઇજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ સમગ્ર બનાવ અંગે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં જરૂરી કલમ મુજબ અલગથી ગુનો નોંધીને આગળની જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટનામાં કોઈપણ પોલીસકર્મીને ઈજા થઈ ન હોવાનું પણ તેમણે જણાવ્યું છે.