રાજકોટમાં અકસ્માત બાદ યુવાનને બ્રેઈન ડેડ જાહેર કરાતા પરિવારે અંગદાનનો નિર્ણય કર્યો

મૂળ કચ્છના રણુજા નગર, દુર્ગાપુરના રહેવાસી અને રાજકોટના રેલનગર વિસ્તારમાં રહેતા 22 વર્ષીય રાજ મુકેશભાઈ ઢાલ એગ્રો ઇન્ડસ્ટ્રીમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા હતા. તારીખ 09 ઓક્ટોબર, 2026ના રોજ રાત્રે આશરે 9:00 વાગ્યે આકસ્મિક ગંભીર ઇજા થવાથી તેમને કે.ડી. પરવાડિયા હોસ્પિટલ આટકોટ ખાતે પ્રાથમિક સારવાર આપી હતી. ત્યારબાદ તારીખ 10 ઓક્ટોબર, 2026ના રોજ રાત્રે આશરે 1:00 વાગ્યે વધુ સારવારાર્થે સિનર્જી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તબીબો દ્વારા અથાગ પ્રયત્નો કરવા છતાં તારીખ 14 ઓક્ટોબરની સાંજે રાજભાઈને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા.

જોકે આ દુઃખદ ઘડીમાં પિતા મહેશભાઈ ઢાલ, માતા કસ્તુરીબેન ઢાલ અને ભાઈ યશભાઈ ઢાલે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી અંગદાનનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. ડોક્ટર દિવ્યેશ વિરોજાની દેખરેખ અને NOTTO તથા SOTTOના સંકલનથી આ પ્રક્રિયા પાર પાડવામાં આવી હતી. આ મહાદાન દ્વારા હૃદય, બંને ફેફસાં, લીવર અને આંખોનું દાન શક્ય બન્યું છે, જેનાથી કુલ 6 જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન અને નવી દૃષ્ટિ મળવાની આશા છે. માનવ અંગોને રાજકોટ એરપોર્ટથી અમદાવાદ અને સુરત ખાતે હવાઇ માર્ગે મોકલાયા હતા. પરિવારના આ પ્રેરણાદાયી નિર્ણયને સૌએ હૃદયપૂર્વક બિરદાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *