રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી જોર પકડી રહી છે. છેલ્લા બે દિવસથી રાજ્યના છુટાછવાયા જિલ્લાઓમાં વરસાદ નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 76 તાલુકામાં 1 મિમીથી લઈને સાડા ચાર ઈંચ સુધી વરસાદ નોંધાયો છે. ચોમાસાના આગમન પહેલાં સૌથી વધુ પંચમહાલના હાલોલમાં 4.57 ઈંચ વરસાદ ખાબકી ગયો છે.
આજે પણ વહેલી સવારથી જ છોટા ઉદેપુર, વલસાડ, મહીસાગર, નર્મદા, અમરેલી સહિતમાં વરસાદી માહોલ છે. સવારના 6થી બપોરના 2 વાગ્યા સુધીમાં રાજ્યના 46 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ખેડાના ગલતેશ્વરમાં 2.91 ઈંચ, જ્યારે સૌથી ઓછો વલસાડમાં 1 મિમી નોંધાયો છે.
દક્ષિણ ગુજરાતમાં અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી સાથે ગાજવીજ અને વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. એક-બે સ્થળોએ ભારે વરસાદની શક્યતાને પગલે મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા અને ખેડા જિલ્લા માટે યલો એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે બાકીના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. સમગ્ર ગુજરાતમાં વીજળી પડવાની સંભાવના સાથે 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.