જૂનાગઢ-આણંદ રૂટની એસટી બસમાં મુસાફરોની સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા કરતો એક બનાવ સામે આવ્યો છે. બસમાં નશાની હાલતમાં ચડેલા બિરજુ સાગઠિયા નામના શખ્સે એક યુવતી સાથે છેડતી કરી હોવાનો આક્ષેપ છે. આ ઘટનાને પગલે બસમાં ભારે હોબાળો મચી ગયો હતો અને બસને સીધી જેતપુર સિટી પોલીસ સ્ટેશન લઈ જવાની ફરજ પડી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, જૂનાગઢથી આણંદ જઈ રહેલી એસટી બસમાં મુસાફરી દરમિયાન આરોપી બિરજુ નશાની હાલતમાં હતો. તેણે બસમાં બેઠેલી એક યુવતી સાથે છેડતી કરવાનું શરૂ કર્યું હતું. યુવતીએ તેના આ વર્તનનો સખત વિરોધ કર્યો હતો, જેના કારણે પરિસ્થિતિ વધુ તંગ બની હતી.
આરોપીએ અન્ય મુસાફરો સામે પણ અપશબ્દો બોલ્યા હતા અને અભદ્ર વર્તન કર્યું હતું, જેના કારણે બસમાં ભય અને તણાવનો માહોલ સર્જાયો હતો. યુવતીએ તાત્કાલિક 112 ઇમરજન્સી સેવા પર ફોન કરીને મદદ માંગી હતી. આ દરમિયાન આરોપી બસના કંડક્ટર સાથે પણ ઉગ્ર બોલાચાલી અને માથાકૂટ કરતો જોવા મળ્યો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે.