રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ એક સામાન્ય કાર્યકર પર ભરોસો મૂકીને લોકશાહીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. રાજકોટના વોર્ડ નંબર 3માંથી ભાજપની ટિકિટ પર જીત મેળવનાર 27 વર્ષીય અજય મજેઠીયા છેલ્લા 10 વર્ષથી આઈસ્ક્રીમની દુકાનમાં સામાન્ય નોકરી કરતા હતા.
સામાન્ય બેકગ્રાઉન્ડ ધરાવતા અને 15 સભ્યોના સંયુક્ત પરિવારમાં રહેતા આ યુવાને પોતાની મહેનત અને પક્ષ પ્રત્યેની નિષ્ઠાને કારણે આજે કોર્પોરેટર સુધીની સફર ખેડી છે. ‘સપનામાં પણ ટિકિટની અપેક્ષા નહોતી’ તેમ જણાવતા અજયભાઈ હવે પોતાની નોકરી છોડીને પોપટપરા અને રેલનગર જેવા વિસ્તારોના પાયાના પ્રશ્નો ઉકેલવા માટે કટિબદ્ધ થયા છે.
રાજકોટના પોપટપરા વિસ્તારના એક નાનકડા મકાનમાં રહેતા 27 વર્ષીય અજય મજેઠીયાએ અત્યંત સંઘર્ષ વચ્ચે રાજકારણમાં સફળતા મેળવી છે. તેમનો 15 સભ્યોનો મોટો પરિવાર એકસાથે સંયુક્ત કુટુંબમાં વસે છે. આર્થિક સ્થિતિ સામાન્ય હોવાથી તેમના પિતા કારખાનામાં મજૂરી કામ કરે છે, જ્યારે કાકાઓ રિક્ષા અને લારી ચલાવીને ગુજરાનમાં મદદરૂપ થાય છે.