રાજકોટ શહેરના કુવાડવા રોડ પર રવિવારે સવારે હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં ફોટોશૂટ માટે ચાલીને જઈ રહેલા 17 વર્ષીય સગીરને પાછળથી પુરપાટ ઝડપે આવેલા ઇનોવા કારના ચાલકે ટક્કર મારી હતી જેથી તેમને માથાના ભાગે હેમરેજ સહિતની ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માત બાદ ચાલક ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો સારવાર દરમિયાન સગીરનું મોત થતા સગીરના પિતાએ બી-ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ઈનોવાનો ચાલક અકસ્માત સર્જીને ફરાર
રાજકોટ શહેરના કુવાડવા વિસ્તારમાં આવેલા શ્રીરામ પાર્ક શેરી નંબર 2 ખાતે રહેતા ધર્મેન્દ્ર માનસિંગ ચૌહાણએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.22 નવેમ્બર 2026ના રોજ સવારે આશરે 6.45 વાગ્યે તેમનો 17 વર્ષીય દીકરો ભાવીન મિત્રો સાથે ફોટોશૂટ માટે ઘરેથી ચાલીને નીકળ્યો હતો દરમિયાન સવારે 7 વાગ્યાની આસપાસ કુવાડવા રોડ પર ઓસ્કાર વિલા સામે જાહેર રોડ પર ચાલીને જઈ રહ્યો હતો ત્યારે જીજે.11.એસ.8010 નંબરની ઇનોવા કારના ચાલકે પૂરપાટ ઝડપે બેદરકારીથી વાહન ચલાવી ભાવીનને હડફેટે લીધો હતો જેના કારણે ભાવીનને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી અને ચાલક કાર લઈને ફરાર થઈ ગયો હતો.
પિતા ધર્મેન્દ્ર ચૌહાણે દીકરાને ફોન કરતા 108ના કર્મચારીએ ફોન ઉપાડી અકસ્માત અંગે જાણ કરી હતી અને અકસ્માત કરનાર વાહન ઇનોવા જીજે.11.એસ.8010 હોવાની વિગત જણાવી હતી. પ્રથમ સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે ભાવીનને કુવાડવા રોડ સ્થિત ગોકુલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તબીબોએ માથાના પાછળના ભાગે હેમરેજ થયાનું જણાવ્યું હતું. જો કે ટૂંકી સારવાર દરમિયાન ગઈકાલે સાંજે સારવારમાં રહેલા સગીર ભાવિન ચૌહાણે દમ તોડી દેતા મોત નીપજ્યું હતું. જેના મૃતદેહને પીએમ અર્થે ખસેડી બી ડિવિઝન પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.