જસદણના છત્રી બજાર વિસ્તારમાં એક એડવોકેટની ઓફિસમાં મૈત્રી કરાર (લીવ-ઈન રિલેશનશિપ) કરવા આવેલા યુગલે કાયદાકીય સમજણ આપતા વકીલ પર ઉશ્કેરાઈ જઈ ભારે હંગામો મચાવ્યો હતો. આ યુગલે ઓફિસના કિંમતી સાધનોની તોડફોડ કરી વકીલને જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. ઘટના અંગે જસદણ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
જસદણના છત્રી બજાર વિસ્તારમાં રહેતા અને વકીલાતનો વ્યવસાય કરતા મનનભાઈ રશ્મીનભાઈ શેઠ (ઉ.વ. 30) એ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત તા. 27ના રોજ જંગવડ ગામના રહેવાસી ભરત જયતા કુવાડીયા અને રાજકોટની કાજલબેન પ્રકાશ પટોડીયા મૈત્રી કરારના કામ અર્થે તેમની ઓફિસે આવ્યા હતા. ચર્ચા દરમિયાન જાણવા મળ્યું હતું કે કાજલબેનના અગાઉ બે લગ્ન થયેલા છે અને છેલ્લા લગ્નજીવનના છૂટાછેડા હજુ વિધિવત રીતે મળ્યા નથી. આથી એડવોકેટ મનનભાઈએ તેમને કાયદેસરના નિયમો સમજાવી અત્યારે સોગંદનામું ન થઈ શકે તેવી ગંભીરતા જણાવી હતી. આ વાત સાંભળતા જ કાજલબેન ઉશ્કેરાઈ ગયા હતા અને અસભ્ય વર્તન કરવાનું શરૂ કર્યું હતું
આરોપી મહિલાએ ઉશ્કેરાઈને જણાવ્યું હતું કે, તમે વકીલ હોવ તો શું થઈ ગયું? અમે કહીએ એ રીતે કરાર નહીં કરી આપો તો મજા નહીં આવે. આટલું કહી તેણે ઓફિસમાં રહેલા પ્રિન્ટરનો ટેબલ ની તોડફોડ કરી હતી જ્યારે વકીલે પોલીસ ફરિયાદની વાત કરી ત્યારે આરોપીઓએ જણાવ્યું હતું કે, પોલીસ અમારું કાંઈ બગાડી નહીં લે, અમે વહીવટી ધોરણે છૂટી જઈશું. જો ફરિયાદ કરી તો માથાં ફોડી નાખીશું.