રાજકોટના ગોંડલ તાલુકામાં શિક્ષણથી વંચિત બાળકો અને કિશોરીઓને ફરીથી શાળાએ જોડવા માટે એક વ્યાપક સર્વે હાથ ધરવામાં આવ્યો છે. આ સર્વે જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ ચાલી રહ્યો છે.
રાજકોટ જિલ્લાના ડીડીઓ જી.ટી. પંડ્યા અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દીક્ષિત પટેલના માર્ગદર્શન હેઠળ ગત 8મી મેથી આ મેગા સર્વે ગોંડલ તાલુકામાં શરૂ થયો છે. ગોંડલ બી.આર.સી. કો-ઓર્ડીનેટર વિપુલભાઈ પાંચાણીના નેતૃત્વમાં સી.આર.સી. કો-ઓર્ડીનેટર, બી.આર.પી. અને સ્પેશિયલ એજ્યુકેટર્સ સહિતની ટીમ ઘરે-ઘરે જઈને સર્વે કરી રહી છે.
સર્વેમાં 6 થી 14 વર્ષના શાળાએ ન જતા બાળકો, 15 થી 18 વર્ષની શાળાએ ન જતી કિશોરીઓ અને દિવ્યાંગ બાળકોને આવરી લેવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ દ્વારા શાળા છોડી દેવાના મુખ્ય કારણોમાં ઘરકામમાં રોકાયેલા હોવું, ગામડાઓમાં હાઈસ્કૂલની સુવિધાનો અભાવ અને યોગ્ય વાહનવ્યવહારનો અભાવ સામેલ છે.