રાજકોટ સિવિલમાંથી ગુમ થયેલા 80 વર્ષીય વૃદ્ધ ગોંડલથી સહીસલામત મળી આવ્યા છે. એક જાગૃત નાગરિક, ‘શિવમ સાર્વજનિક ટ્રસ્ટ’ અને રાજકોટ પોલીસની ત્વરિત કામગીરીને કારણે પરિવાર સાથે તેમનું મિલન શક્ય બન્યું.
રાજકોટના ગંજીવાડા વિસ્તારના 80 વર્ષીય અમરસિંહભાઈ ત્રિકમભાઈ ચાવડા બે દિવસ પહેલા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ગયા હતા. સારવાર બાદ તેઓ ઘરે પરત ફરવાને બદલે રસ્તો ભટકીને ગોંડલ પહોંચી ગયા હતા. પરિવારજનોએ તેમની શોધખોળ કરી હતી, પરંતુ તેમનો કોઈ પત્તો લાગ્યો ન હતો.
ગોંડલના જેતપુર રોડ પર એક જાગૃત નાગરિકે ફૂટપાથ પર બેઠેલા આ વૃદ્ધને જોયા. પૂછપરછ કરતા વૃદ્ધ કોઈ સ્પષ્ટ જવાબ આપી શક્યા નહોતા. નાગરિકે તાત્કાલિક ગોંડલ સિવિલ હોસ્પિટલમાં સેવા આપતા ‘શિવમ સાર્વજનિક ટ્રસ્ટ’ના પ્રમુખ દિનેશભાઈ માધડનો સંપર્ક કર્યો. દિનેશભાઈ તેમની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
શિવમ ટ્રસ્ટની ટીમે વૃદ્ધને ગોંડલ સિવિલ હોસ્પિટલ લાવી ભોજન કરાવ્યું. પૂછપરછ દરમિયાન વૃદ્ધે પોતે રાજકોટના હોવાનું જણાવ્યું. દિનેશભાઈએ રાજકોટના થોરાળા પોલીસ મથકના PI જે.બી. જાડેજાનો સંપર્ક કરી વૃદ્ધનો ફોટો મોકલાવ્યો. થોરાળા પોલીસે તત્પરતા દાખવી ગણતરીની મિનિટોમાં જ વૃદ્ધના પરિવારને શોધી કાઢ્યો.
પિતા ગોંડલ હોવાની જાણ થતાં જ દીકરા નરેન્દ્રભાઈ તાત્કાલિક ગોંડલ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા. બે દિવસથી ગુમ થયેલા પિતાને સહીસલામત જોઈને પરિવારે રાહત અનુભવી. પરિવારે શિવમ સાર્વજનિક ટ્રસ્ટ, જાગૃત નાગરિક અને પોલીસનો આભાર વ્યક્ત કર્યો.