વિશ્વભરમાં ‘વર્લ્ડ સુસાઈડ પ્રિવેન્શન ડે’ (વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ) ઉજવવામાં આવે છે. આ નિમિત્તે ગોંડલની સહજાનંદ કોલેજમાં એક જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો હેતુ યુવાનોનું માનસિક સ્વાસ્થ્ય મજબૂત બનાવવાનો, જીવન પ્રત્યે સકારાત્મક અભિગમ કેળવવાનો અને આત્મહત્યાના નકારાત્મક વિચારોથી દૂર રહીને મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કેવી રીતે કરવો તે અંગે માર્ગદર્શન આપવાનો હતો.
આ કાર્યક્રમમાં રાજકોટ ગ્રામ્યના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર (IPS), ગોંડલ 73 વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય ગીતાબા જાડેજા, ગોંડલ ડિવિઝનના ડીવાયએસપી કે. જી. ઝાલા, જયસરદાર સ્કૂલના સ્થાપક વેલજી દાદા, સમીરભાઈ કોટડીયા, નગરપાલિકા ઉપપ્રમુખ મનીષભાઈ રૈયાણી અને ગોંડલ તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઈ ઢોલરીયા હાજર રહ્યા હતા. આ ઉપરાંત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ટ્રસ્ટીગણ પણ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનું મુખ્ય ધ્યાન આત્મહત્યા નિવારણ અને માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ લાવવા પર હતું. આ પ્રસંગે રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ચલાવવામાં આવતા ‘પ્રેરણા પ્રોજેક્ટ’ની કાઉન્સિલિંગ ટીમ પણ ખાસ હાજર રહી હતી.
પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરે વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું કે, વિદ્યાર્થીઓએ પોતાના મનમાં ચાલતા તણાવ, ચિંતા કે ડિપ્રેશન અંગે માતા-પિતા, શિક્ષકો અથવા કાઉન્સિલર્સ સાથે ખુલ્લેઆમ વાત કરવી જોઈએ. તેમણે ક્યારેય એકલતા ન અનુભવવાની સલાહ આપી.