તાજેતરમાં જ ગુજરાતી ફિલ્મ ‘અંબાજી એક્સપ્રેસ’નું મુહૂર્ત શૂટિંગ કરવામાં આવ્યું હતું. મુહૂર્ત શોટ સાથે જ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. ફિલ્મમાં જાનકી બોડીવાલા ને મયૂર ચૌહાણ લીડ રોલમાં છે. સો.મીડિયામાં ફિલ્મના મુહૂર્તના ફોટો શૅર કરીને કહેવામાં આવ્યું છે, માતાજીના ડેસ્ટિનેશન તરફ, માનતાની જર્ની શરૂ થઈ ગઈ છે.
ફિલ્મને ડિરેક્ટર જય બોડાસે ડિરેક્ટ કરી છે, જ્યારે કલ્પેશ સોની ને કૃણાલ સોનીએ પ્રોડ્યુસ કરી છે. કે. એસ. એન્ટરટેઇનમેન્ટ સ્ટૂડિયો તથા મહર્ષિ ગ્રૂપે પ્રેઝન્ટ કરેલી આ ફિલ્મમાં અન્ય કલાકારોની વાત કરીએ તો ભાવિની જાની, અર્ચન ત્રિવેદી, ધર્મેન્દ્ર ગોહિલ જેવા કલાકારો છે.
ફિલ્મની સ્ટોરી ઑથર, ફિલ્મમેકર, પ્રોડ્યુસર તથા એક્ટ્રેસ અર્ચના દેસાઈની નોવેલ ‘અંબાજી એક્સપ્રેસ’ પર આધારિત હોવાનું માનવામાં આવે છે. નોવેલમાં જગ્ગુ (જાગૃતિ મહેતા)નો જન્મ અમદાવાદમાં થયો છે, પરંતુ તે મોટી અમેરિકામાં થઈ છે. તે ત્યાં MBBSનો અભ્યાસ કરી રહી છે. જગ્ગુની માતાએ માનતા માની હોય છે કે દીકરી ડૉક્ટર બની જાય તો તે ચાલતા અંબાજી આવશે. વિદેશમાં મોટી થયેલી જગ્ગુ અંબાજી ચાલતા જાય છે ત્યારે તેને કેવા અનુભવો થાય છે તે વાત નોવેલમાં કરવામાં આવી છે.