રાજકોટ: ભાયાવદર પોલીસ સ્ટેશન હેઠળના ઉપલેટા તાલુકાના પાનેલી-મોટી ગામે હુડકો સોસાયટીમાં રહેતા ૧૧ વર્ષ અને ૧૨ વર્ષની ઉંમરના બે બાળકો ગત તારીખ ૨૦/૧૦/૨૦૨૬ના રોજ પોતાના ઘરેથી કોઈને કહ્યા વગર જતા રહ્યા હતા. આ બંને બાળકો મળી ન આવતા પાનેલી-મોટી ગામના રહેવાસી ઝાંઝીબેન જેશાભાઇ સરેનાએ પોતાના ૧૧ વર્ષના પૌત્ર અને પાડોશમાં રહેતા ૧૨ વર્ષના બાળકના ગુમ થયા અંગે રાજકોટ ગ્રામ્ય પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરીને જાણ કરી હતી.
આ બાબતની જાણ થતાં જ રાજકોટ ગ્રામ્ય પોલીસ કંટ્રોલરૂમ તરફથી આ બનાવને નંબરથી પ્રાયોરીટી ઇવેન્ટ તરીકે નોંધવામાં આવ્યો હતો. ત્યારબાદ ગુમ થયેલા બંને બાળકોને તાત્કાલિક શોધી કાઢવા માટે ભાયાવદર પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી. રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જર દ્વારા રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં આવા કોઈ બનાવ બને ત્યારે ત્વરિત કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવેલી છે.
આ સૂચના અન્વયે ધોરાજી વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક સિમરન ભારદ્રાજના માર્ગદર્શન હેઠળ ભાયાવદર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એચ.રાખોલીયાએ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ તાબાના પોલીસ સ્ટાફના માણસો સાથે પાનેલી-મોટી ગામે પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આ બંને બાળકો રેલ્વે સ્ટેશન બાજુ જતા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે બનાવના સમયે રેલ્વે ટાઇમ ટેબલ ચેક કરતા એક ટ્રેન રાજકોટ તરફ ગઈ હોવાનું માલૂમ પડ્યું હતું.
ભાયાવદર પોલીસે તુરંત જ રાજકોટ શહેર પોલીસ સાથે સંકલન કરીને રાજકોટ ભક્તિનગર રેલ્વે સ્ટેશન ખાતે તપાસ કરાવતા ૧૧ વર્ષ અને ૧૨ વર્ષની ઉંમરના આ બંને બાળકો મળી આવ્યા હતા. પોલીસે બાળકોને તાત્કાલિક હસ્તગત કરાવી ભાયાવદર પોલીસ સ્ટેશન ખાતે લાવી ગણતરીના કલાકોમાં તેમના પરિવારજનોને સોંપી આપી પરિવાર સાથે સુખદ મિલન કરાવી માનવીય કામગીરી કરી છે. આ કામગીરી કરનાર ટીમમાં ભાયાવદરના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એચ.રાખોલીયા તથા એ.એસ.આઇ. ધરમચંદ્ર કટોચ, શક્તિસિંહ જાડેજા, સત્યપાલસિંહ જાડેજા અને ભાગ્યરાજસિંહ વાળા જોડાયા હતા