ગીર અને બૃહદ ગીરના જંગલોમાં સિંહો અને અન્ય વન્યજીવોના સંરક્ષણ માટે દિવસ-રાત જોખમી કામગીરી કરતા ફોરેસ્ટ ટ્રેકર્સ માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યસભાના સાંસદ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડાયરેક્ટર (કોર્પોરેટ અફેર્સ) અને જાણીતા વન્યજીવ પ્રેમી પરિમલ નથવાણીના વિશેષ સહયોગથી ગીરના 220 જેટલા ફોરેસ્ટ ટ્રેકર્સને અકસ્માત વીમા અને મેડિક્લેઇમનું મજબૂત સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું છે.
ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગ તેમજ ગીર વન વિભાગના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ, ‘ગુજરાત સ્ટેટ લાયન કન્ઝર્વેશન સોસાયટી’ સાથે મળીને ‘ન્યૂ ઈન્ડિયા એશ્યોરેન્સ કંપની’ દ્વારા ટ્રેકર્સને રૂ. 3 લાખથી લઈને રૂ. 10 લાખ સુધીનું વીમા કવચ એનાયત કરાયું છે. આ વીમા પોલીસી અંગે ટ્રેકર્સને સંપૂર્ણ અને વિગતવાર માહિતી આપવાના હેતુથી 16 અને 17 મે, 2026ના રોજ સાસણ ગીરના સિંહ સદન ખાતે એક ખાસ બે-દિવસીય કાર્યશિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
સામાન્ય રીતે ફોરેસ્ટ ટ્રેકર્સની કામગીરી ખૂબ જ કપરી અને જોખમથી ભરેલી હોય છે. આ જોખમી પ્રકૃતિના કારણે જ વીમા કંપનીઓ સામાન્ય સંજોગોમાં તેમને અકસ્માત વીમો કે મેડિક્લેઇમ આપવા માટે ખચકાટ અનુભવતી હોય છે. જોકે, પરિમલ નથવાણીએ આ બાબતને ગંભીરતાથી લઈને વિશેષ પ્રયત્નો કર્યા હતા, જેના ફળસ્વરૂપે ન્યૂ ઈન્ડિયા એશ્યોરેન્સ કંપની આ વીમા કવચ પૂરું પાડવા માટે તૈયાર થઈ છે.