આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની વધતી કિંમતો વચ્ચે ભારતમાં તેલ કંપનીઓ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં 2.5 રૂપિયા સુધીનો વધારો કરી શકે છે. હાલમાં દેશમાં 15 મેથી અત્યાર સુધી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં આશરે ₹7.5 પ્રતિ લિટરનો વધારો થયો છે.
રેટિંગ એજન્સી ક્રિસિલે મંગળવારે (2 જૂન) તેના રિપોર્ટમાં દાવો કર્યો હતો કે, જો ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ ઓઇલની કિંમતો આ જ રીતે વધતી રહેશે, તો તેલ કંપનીઓ પોતાનું નુકસાન ઘટાડવા માટે આવનારા દિવસોમાં કુલ વધારાને ₹10 પ્રતિ લિટર સુધી લઈ જઈ શકે છે.
ફ્યુઅલ મોંઘું થવાથી છૂટક મોંઘવારી પણ વધશે
રિપોર્ટ અનુસાર, ફ્યુઅલની કિંમતોમાં ₹7.5 પ્રતિ લિટરનો આ વધારો સીધો જ છૂટક મોંઘવારીમાં લગભગ 36 બેસિસ પોઈન્ટ્સ (0.36%) ઉમેરી શકે છે. જ્યારે, જો આ વધારો ₹10 પ્રતિ લિટર સુધી પહોંચે છે, તો મોંઘવારી પર તેની અસર વધીને લગભગ 48 બેસિસ પોઈન્ટ્સ (0.48%) થઈ જશે.
રિપોર્ટ મુજબ, ઇંધણ મોંઘું થવાથી ટ્રાન્સપોર્ટેશન, લોજિસ્ટિક્સ અને મેન્યુફેક્ચરિંગ કોસ્ટ વધશે, જેની સીધી અસર આવનારા મહિનાઓમાં ખાવા-પીવાની વસ્તુઓ અને રોજિંદા કન્ઝ્યુમર ગુડ્સ પર દેખાશે.
માલભાડું વધવાથી રસોડાનું બજેટ બગડશે
ભારતમાં માલસામાનની હેરફેરનો લગભગ 71% હિસ્સો માર્ગ પરિવહન દ્વારા થાય છે અને ટ્રાન્સપોર્ટર્સના કુલ ઓપરેટિંગ ખર્ચમાં ઇંધણ (ડીઝલ)નો હિસ્સો લગભગ 42% હોય છે. રિટેલ ફ્યુઅલ મોંઘું થવાથી ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ વધશે જે આખી સપ્લાય ચેઇનને પ્રભાવિત કરશે. ક્રિસિલ મુજબ, પરિવહન પર નિર્ભર રહેતી ખાદ્ય શ્રેણીઓ સૌથી વધુ પ્રભાવિત થશે.