કોલંબિયા ભૂકંપના 48 કલાક પછી નવજાત બાળકનું રેસ્ક્યુ

દક્ષિણ અમેરિકી દેશ કોલંબિયામાં સોમવારે રાત્રે આવેલા 7.4ની તીવ્રતાના ભૂકંપના લગભગ 48 કલાક પછી કાટમાળમાંથી એક બાળકને જીવતો બહાર કાઢવામાં આવ્યો. બાળક એક ધરાશાયી થયેલી પાંચ માળની રહેણાંક ઇમારતના કાટમાળમાં ફસાયેલું હતું. તેની સાથે એક માણસ પણ દટાયેલો હતો.

આ બચાવ કાર્ય બુધવારે ભૂકંપ પછી ચાલી રહેલા ત્રીજા દિવસના સર્ચ ઓપરેશન દરમિયાન થયું. CNNના રિપોર્ટ અનુસાર, બચાવ ટીમે જણાવ્યું કે તેમને કાટમાળ નીચેથી એક માણસનો અવાજ સંભળાયો. માણસે કહ્યું- ‘હા, હું અહીં જ છું. હું એક બાળક સાથે છું.’ આ પછી, ઘટનાસ્થળે હાજર બચાવ ટીમ અને અન્ય લોકોએ તરત જ હાથથી કાટમાળ હટાવવાનું શરૂ કર્યું.

એક ભારે કોંક્રિટ સ્લેબ નીચે એક વ્યક્તિ અને નવજાત બાળક ફસાયેલા હતા. લોકોએ સ્લેબને ઉઠાવ્યો અને બંનેને બચાવવામાં આવ્યા. પ્રત્યક્ષદર્શીઓ અનુસાર, બાળકનું માથું જાંબલી જેવું થઈ ગયું હતું, કારણ કે તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી.

ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે મંગળવારે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું કે કોલંબિયામાં જાનમાલના નુકસાનથી તેઓ ખૂબ દુઃખી છે. તેમણે મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલો ઝડપથી સાજા થાય તેવી કામના કરી.

તેમણે કહ્યું કે ભારત જરૂર પડ્યે કોલંબિયાને દરેક સંભવ મદદ આપવા માટે તૈયાર છે.

કોલંબિયામાં ભૂકંપથી અત્યાર સુધીમાં 224 લોકોના મોત થયા છે. આ ઉપરાંત 1200થી વધુ લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે. 3000થી વધુ લોકો ગુમ હોવાનું કહેવાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *