રાજકોટમાં આઝાદી કાળની કોટક સાયન્સ કોલેજને રાજ્ય સરકાર દ્વારા ભયજનક બિલ્ડીંગ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. કેમેસ્ટ્રીના 102 વિદ્યાર્થીઓ જે અભ્યાસ કરી રહ્યા હતા તે બિલ્ડીંગ જર્જરિત હાલતમાં હોવાથી હાલ તેનું કેમ્પસમાં જ આવેલી જુની સોઈલ ટેસ્ટીંગ લેબ અને હાલમાં જે પીજી સેન્ટર તરીકે ઓળખાય છે ત્યાં શિફ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. વર્ષ 1947માં નિર્માણ પામેલા બિલ્ડીંગનું 2023માં રીનોવેશન કરવામાં આવ્યું હતું અને તેના ત્રણ વર્ષમાં જ હવે આ બિલ્ડીંગ ભયજનક જાહેર થતા તેને તોડી પાડવામાં આવશે.
જોકે, આ એક જ કોલેજ એવી હશે કે જેના વિદ્યાર્થીઓ અલગ-અલગ ત્રણ બિલ્ડિંગમાં અભ્યાસ કરે છે. આ કોલેજની સ્થાપનાને 79 વર્ષ વીતી ગયાં છતાં સરકાર દ્વારા અલગ કોલેજ બિલ્ડીંગ બનાવી આપવામાં ન આવતા વિદ્યાર્થીઓ હેરાનગતિ ભોગવી રહ્યા છે.
રાજકોટની એચ એન્ડ એચ.બી.કોટક ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ આર. સી.વીરડીયાએ જણાવ્યું હતું કે, આ કોલેજ 1936 માં ખરેખર ડી. એચ. કોલેજ તરીકે હતી. જે બાદ 10-06-1963 માં એચ એન્ડ એચ.બી.કોટક સાયન્સ કોલેજ તરીકે સ્થાપના થઈ. વર્ષ 1947 માં કોટક કોલેજનું કેમેસ્ટ્રીનું બિલ્ડીંગ બન્યું. જે જૂનું સ્ટ્રક્ચર હોવાથી સુરત RNIT દ્વારા આ બિલ્ડીંગ ને ભયજનક જાહેર કરવામાં આવ્યું છે. જેને આધારે અમે હાલ શિફ્ટિંગ કરી રહ્યા છીએ.