રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં જેતલસર-ઢસા બ્રૉડગેજ રેલવે ટ્રેક પર સોમવારે રાત્રે આશરે 8:00 વાગ્યે ભાવનગર-પોરબંદર પેસેન્જર ટ્રેન (નંબર 59560)ની અડફેટે આવી જતાં બે સિંહનાં કરુણ મોત નીપજ્યાં છે. અકસ્માતના પગલે ટ્રેનને રોકી દેવામાં આવી હતી. પ્રાથમિક વિગતો મુજબ આ વિસ્તારમાં ત્રણ વન્યપ્રાણીઓની અવરજવર હતી, જેમાંથી બે સિંહો ટ્રેક ક્રોસ કરતી વખતે ટ્રેનની અડફેટે ચડી ગયા હતા, જ્યારે ત્રીજો સિંહ કે સિંહણ હજુ પણ નજીકના વિસ્તારમાં હોવાથી વન વિભાગ દ્વારા તેને ટ્રેક કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલ ટ્રેનને રવાના કરી દેવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, થોડા દિવસ પહેલાં આ જ રેલવે ટ્રેક નજીક બકરી કે ઘેટાંનું મારણ થયું હોવાની વિગતો સામે આવી છે, જેને પગલે સ્થાનિક ફોરેસ્ટ ટીમની કામગીરી અંગે પણ સવાલો ઊભા થયા છે. ઘટનાની જાણ થતાં જ રાજકોટ વન વિભાગના નાયબ વન સંરક્ષક (DCF) યુવરાજસિંહ ઝાલા, જેતપુર RFO હિરેન રતનપરા, અમરેલી વાઇલ્ડલાઇફ ટીમ, જેતપુર-ગોંડલ રેન્જ ફોરેસ્ટ સ્ટાફ, રેલવે પોલીસ અને જેતપુર તાલુકા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.