રાજકોટ શહેરને નશામુક્ત કરવા પોલીસ તંત્ર કવાયત કરી રહ્યું છે, ત્યારે બીજીબાજુ ગુનેગારો જાણે પોલીસથી બે ડગલા આગળ હોય તેમ નશીલા પદાર્થને યેનકેન પ્રકારે શહેરમાં ઘુસાડી રહ્યા છે, જેમાં ઓડિશાથી ટ્રેન મારફતે ગાંજો લઈ છેક રાજકોટ સુધી પહોંચવાના ફિરાકમાં રહેલા કુખ્યાત પેડલર શરદ ઉર્ફે શિવો દિલીપ ભરખડા(રે.જૂની ખડપીઠ, બાપુનગરનો કાંટો, કોઠારિયા રોડ) અને તેને મદદ કરનાર રિક્ષાચાલક સોયબ ઇમ્તિયાઝ ચૌહાણ (રે.રઘુનંદનનો ઢાળિયો ઉતરતા શેરીમાં, માંડા ડુંગર, આજી ડેમ)ને પોલીસે કુવાડવા-વાંકાનેર રોડ પર સૂર્ય રામપરા ગામના બસ સ્ટેશન પાસેથી ફિલ્મી ઢબે દબોચી લીધા છે.
પોલીસે કુલ 3.20 લાખનો મુદ્દામાલ કબજે કરી નશાના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આરોપીઓને રિમાન્ડની માગણી સાથે રજૂ કરતા અદાલતે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
એસઓજી પીએસઆઈ વી.કે. ઝાલાની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન એએસઆઈ ફિરોજભાઈ રાઠોડ અને કોન્સ્ટેબલ હાર્દિકસિંહ પરમારને સચોટ બાતમી મળી હતી કે, અગાઉ દારૂના ગુનામાં સંડોવાયેલ શરદ દરજી અને તેનો મિત્ર સોયબ રિક્ષામાં ગાંજાનો જથ્થો લઈને વાંકાનેર-કુવાડવા રોડ પરથી પસાર થવાના છે.
બાતમીના આધારે પોલીસે સૂર્ય રામપરા બસ સ્ટેન્ડ પાસે વોચ ગોઠવી હતી અને બન્નેને દબોચી લીધા હતા. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, શરદ ઉર્ફે શિવો નશાના વેપારનો જૂનો ખેલાડી છે અને અગાઉ તે મેટોડા પોલીસની હદમાં ગાંજાને કેસમાં પકડાઇ ચૂકયો છે. પકડાયેલા બન્ને શખ્સ સામે છ ગુના નોંધાયેલા છે. જેમાં શિવા વિરુદ્ધ અગાઉ દારૂ અને ગાંજાના અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે.
પેડલર્સની નવી મોડસ ઓપરેન્ડી, વાંકાનેર ઉતરી ગયો
સામાન્ય રીતે પેડલર્સ સીધા રાજકોટ રેલવે સ્ટેશને ઉતરવાનું ટાળે છે કારણ કે ત્યાં ચેકિંગ વધુ હોય છે. શિવાએ પણ એ જ ગેમ રમી હતી. તે રાજકોટને બદલે વાંકાનેર ઉતર્યો હતો જેથી કોઈની નજરે ન ચડે અને ત્યાંથી ખાનગી વાહન કે રિક્ષામાં રાજકોટ ઘૂસી શકાય, પરંતુ પોલીસે તેની દરેક હિલચાલ પર નજર રાખી રાજકોટ શહેરની હદમાં આવતા જ દબોચી લીધો હતો.