રાજકોટ એસટી વિભાગની નવી વહીવટી કચેરી જે અંદાજે રૂપિયા 8 કરોડના ખર્ચે નિર્માણ પામી છે તે દોઢ મહિના પહેલા તૈયાર થઈ ગઈ છે. પરંતુ હજુ સુધી આ કચેરીનું લોકાર્પણ થયું નથી અને તેનું કારણ એ છે કે સરકારના મંત્રીની તારીખ મળતી નથી. મંગળવારે રાજ્યના ગૃહમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી એસટી વિભાગની નવી વહીવટી કચેરીનું લોકાર્પણ કરવા માટે આવવાનું નક્કી થયું હતું. જેને લઇને આજે ગોંડલ રોડ ઉપર આવેલા એસ.ટી વર્કશોપ ખાતે નિર્માણ પામેલી અદ્યતન વહીવટી કચેરી પાસે ખુરશીઓ આવી ગઈ હતી અને મંડપ પણ લગાવી દેવાયો હતો. એસટી વિભાગના કર્મચારીઓને પણ એવું કહી દેવાયું હતું કે, આવતીકાલે વાહન-વ્યવહાર મંત્રી આવવાના હોવાથી તમામે ડ્રેસ કોડમાં આવવાનું રહેશે. જોકે, કોઈ કારણોસર વાહન વ્યવહાર મંત્રીનો આ કાર્યક્રમ છેલ્લી ઘડીએ મોકૂફ રાખવા માટેનો નિર્ણય લેવાયો છે. હવે ફરી નવી તારીખની રાહ જોવામાં આવશે અને ત્યારબાદ જ્યારે વાહન-વ્યવહાર મંત્રી લોકાર્પણ કરવા આવશે તે પછી જ અધ્યતન વહીવટી કચેરીમાં કર્મચારીઓ બેસી શકશે અને ત્યાં સુધી જર્જરિત કચેરીમાં કર્મચારીઓને બેસવું પડશે.