રાજકોટની એઇમ્સ હોસ્પિટલમાં ફરજ બજાવતી સિનિયર મહિલા તબીબ સાથે ગુંડાગીરી, ઉત્પીડન અને લિંગ આધારિત ભેદભાવ કરવાના મુદ્દે ડાયરેક્ટર કર્નલ ડો.સીડીએસ કટોચ સહિત ચાર સામે ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. કોલકાતાની આર.જી.કાર હોસ્પિટલ જેવી ઘટના બનવાની ચેતવણી બાદ આ પ્રકરણમાં તપાસના આદેશ છૂટતા એઇમ્સની ઇન્ટર્નલ કમ્પ્લેન કમિટી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
એઇમ્સમાં ફરજ બજાવતી એક સિનિયર તબીબે એક મહિના પહેલાં જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીને કર્નલ ડો.સીડીએસ કટોચ, ડીન ડો.સંજય ગુપ્તા, એચઓડી અશ્વિન અગ્રવાલ અને વહિવટી અધિકારી જયદેવસિંહ વાળા સામે ફરિયાદ અરજી કરી હતી જેમાં છેલ્લા ઘણા સમયથી તેમની સાથે ગુંડાગીરી, ઉત્પીડન અને લિંગ આધારિત ભેદભાવના આક્ષેપ કર્યા છે. રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ સિનિયર તબીબે કરેલી ફરિયાદની અરજી પોલીસ કમિશનરને તપાસ માટે મોકલી આપી હતી અને પોલીસ કમિશનરે આ ફરિયાદની અરજી ગાંધીગ્રામ પોલીસને તપાસ માટે આપી હતી. ગાંધીગ્રામ પોલીસે આ ફરિયાદ એઇમ્સના આઇસીસી (ઇન્ટર્નલ કમ્પ્લેન કમિટી)ને મોકલી આપી છે અને 30 દિવસમાં તપાસ કરી રિપોર્ટ આપવા હુકમ કર્યો છે. એઇમ્સના ડેપ્યુટી ડાયરેક્ટર ડો.પુનિત અરોરા સોમવારે જ આર્મીમાંથી નિવૃત્ત થયા છે ત્યારે એઇમ્સના ડાયરેક્ટર સહિત ચાર સામે ફરિયાદ થતા ખળભળાટ મચી ગયો છે. હવે આ ફરિયાદની તપાસ આઇસીસીના સભ્યો દ્વારા કરાશે જેમાં ભોગ બનનાર સિનિયર મહિલા તબીબ તથા તેમણે જેમની સામે ફરિયાદ કરી છે તેમના નિવેદન લઇને પુરાવા એકત્રિત કરાશે. આ ફરિયાદની તપાસ 30 દિવસમાં પૂરી કરી રિપોર્ટ આપવા પોલીસે આદેશ કર્યો છે.