કાલે કંકણાકૃતિ અને ખંડગ્રાસ સૂર્યગ્રહણનો અદભુત અવકાશી નજારો જોવા મળશે. ભારતમાં સૂર્યગ્રહણ દેખાશે નહિ અેટલે પાળવાનું રહેશે નહિ. ગ્રહણની અવધિ 6 કલાક અને 4 મિનિટની રહેશે. સૂર્યગ્રહણ નરી આંખે જોવું અતિ જોખમી છે એટલે વિજ્ઞાન જાથા દેશભરમાં ગ્રહણ સંબંધી વૈજ્ઞાનિક સમજ આપશે.
વિજ્ઞાન જાથાના જણાવ્યાનુસાર આ ગ્રહણનો અદભુત નજારો ખંડગ્રાસમાં પેસિફિક અને દક્ષિણ અમેરિકાના દક્ષિણ ભાગમાં જોવા મળશે જ્યારે દક્ષિણ ચીલી, દક્ષિણ આર્જેન્ટિનામાં કંકણાકૃતિ સ્વરૂપે જોવા મળશે. અવકાશી ચંદ્રગ્રહણો કે સૂર્યગ્રહણો માત્ર ને માત્ર અવકાશી પરિભ્રમણ અને ભૂમિતિની રમત છે.
જાથાની રાજ્ય અને રાષ્ટ્રીય કચેરી ખંડગ્રાસ અને કંકણાકૃતિ સૂર્યગ્રહણની અલભ્ય તસવીરો લોકો સમક્ષ મૂકશે. વિદ્યાર્થી અને યુવાઓને ગ્રહણ વિશે વૈજ્ઞાનિક સમજ આપવામાં આવશે.ગ્રહણ દરમિયાન ગ્રહણ કેવી રીતે થાય છે તે રજૂ કરવામાં આવશે. રાજકોટમાં જન વિજ્ઞાન જાથાની ઓફિસ,ખાતે ગ્રહણ નિહાળવા માટે અને તેની પ્રક્રિયા સમજાવવા માટેની વ્યવસ્થા ગોઠવવામાં અાવી છે.