રાજકોટ મનપા દ્વારા પ્રધાનમંત્રી મોદીના ‘મેઈક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ના સ્વપ્નને સાકાર કરવા ‘સ્વદેશી મેળો-2026 (શોપિંગ ફેસ્ટિવલ)’ નું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળો કાલથી તા. 3 નવેમ્બર રેસકોર્ષ ખાતેની આર્ટ ગેલેરીમાં યોજાશે. કાલે સવારે 10:30 કલાકે મેયર ડો. નેહલ શુક્લ દ્વારા રિબિન કાપીને મેળાનો પ્રારંભ કરાવવામાં આવશે. આ મેળો દરરોજ સવારે 10 થી રાત્રે 10 વાગ્યા સુધી નાગરિકો માટે ખુલ્લો રહેશે. આ મેળામાં સ્થાનિક સ્વસહાય જૂથો, શેરી ફેરિયાઓ, પરંપરાગત કારીગરો અને કલાકારોને પ્રોત્સાહન આપવા માટે 85 સ્ટોલ્સમાં શોપિંગ ક્લસ્ટર, ક્રાફ્ટ ક્લસ્ટર અને ફૂડ કોર્નર જેવી આકર્ષક વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે.
‘એક જિલ્લો, એક ઉત્પાદન’ અંતર્ગત સ્થાનિક બ્રાન્ડ્સ અને સ્વદેશી ઉત્પાદનોના બ્રાન્ડિંગ અને વેચાણ માટે વિશેષ મંચ પૂરો પાડવામાં આવશે, જેનાથી નાના પાયે વ્યવસાય કરતા કારીગરોની મહેનત અને કૌશલ્યને યોગ્ય ઓળખ મળશે. ઉપરાંત ઊભરતા કલાકારો પોતાની કલા રજૂ કરી શકે તે માટે સાંજે 6 થી રાત્રે 9 વાગ્યા સુધી વિશેષ સાંસ્કૃતિક કોર્નર તૈયાર કરાયું છે, જેમાં કલાકારો વિનામૂલ્યે રજીસ્ટ્રેશન કરાવી શકશે. અહીં પરિવાર સાથે આવતા નાગરિકો માટે બાળકોની મનોરંજન જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ચિલ્ડ્રન પ્લે એરિયા અને એક્ટિવિટી ઝોન પણ બનાવવામાં આવ્યા છે. આ આયોજનથી રાજકોટના નાગરિકોને એક છત નીચે સ્વદેશી ચીજવસ્તુઓ ખરીદવાનો અને સ્થાનિક પ્રતિભાઓને પ્રોત્સાહન આપવાનો અદભુત અનુભવ પ્રાપ્ત થશે.